<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ટ્રમ્પ જુનિયરના લગ્ન અંગે મોટો ધડાકો: પુતિનના ખાસ ગણાતા રશિયન અબજોપતિએ બહામાસની શાહી પાર્ટીનું કરોડોનું ફંડિંગ કર્યું!

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનના વડા ઓમર ક્રેમલેવે ખાનગી ટાપુઓ અને આતશબાજીનો લાખો ડોલરનો ખર્ચ ઉપાડ્યો: બેટ્ટીના ટ્રમ્પે વિવાદ વચ્ચે પોસ્ટ શેર કરી મિત્રતાનો બચાવ કર્યો

વોશિંગ્ટન :  અમેરિકાના રાજકીય વર્તુળોમાં એક અત્યંત ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે, જેમાં પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્ન બાદ યોજાયેલી ભવ્ય ઉજવણી માટે રશિયન અબજોપતિ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. 'પ્રોપબ્લિકા' ના તાજેતરના વિસ્ફોટક અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના સહયોગી અને આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (IBA) ના વડા ઓમર ક્રેમલેવે બહામાસમાં યોજાયેલી બે રાત્રિની ઝાકઝમાળપૂર્ણ પાર્ટીઓ માટે લાખો ડોલર ચૂકવ્યા હતા. આ ખર્ચમાં ત્રણ દિવસીય કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાયેલા બે ખાનગી ટાપુઓમાંથી એકનું ભાડું અને આકાશમાં કરાયેલી ભવ્ય આતશબાજીનો સમાવેશ થાય છે.

આ મુદ્દે રાજકીય અને મીડિયા ક્ષેત્રે વિવાદ વધતા ટ્રમ્પ જુનિયરની પત્ની બેટ્ટીના ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. બેટ્ટીનાએ ખુલાસો કર્યો હતો કે ક્રેમલેવ તેમના એક પ્રિય મિત્ર છે અને આ ભવ્ય ઉજવણી તેમના તરફથી નવદંપતીને આપવામાં આવેલી લગ્નની ભેટ હતી. તેણીએ સ્પષ્ટ કર્યું કે તેમના લગ્ન એક અત્યંત ખાનગી સમારંભમાં માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં જ સંપન્ન થયા હતા. અગાઉ આ વીકેન્ડ આયોજન મિત્રો સાથે સમય વિતાવવા માટે નક્કી કરાયું હતું, પરંતુ લગ્નના પ્લાન બદલાતા તેઓએ વહેલા લગ્ન કરી નવદંપતી તરીકે આ પૂર્વ-આયોજિત ઉજવણીમાં હાજરી આપી હતી.

બેટ્ટીનાએ આ મુદ્દાના રાજકીયકરણ સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, અંગત અને ખુશીના પ્રસંગ પર માત્ર એટલા માટે સવાલો ઉઠાવવા યોગ્ય નથી કે વ્યક્તિ કોણ છે અથવા ક્યાંથી આવે છે. તેમણે દાવો કર્યો કે દરેક મિત્રતા પાછળ કોઈ રાજકીય હેતુ હોવો જરૂરી નથી અને ઉદારતાનો અર્થ એજન્ડા નથી હોતો. જોકે, આ ખુલાસો એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ છે. નોંધનીય છે કે ક્રેમલેવને તાજેતરમાં જ પુતિન દ્વારા 'ઓર્ડર ઓફ ફ્રેન્ડશીપ' થી નવાજવામાં આવ્યા હતા અને તેઓ ચીનની સત્તાવાર મુલાકાત વખતે રશિયન પ્રતિનિધિમંડળનો પણ ભાગ રહ્યા હતા, જેના કારણે યુએસ રાજકારણમાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

(7:33 PM IST)