<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવનારને મોટો ઝટકો: પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી

અરજદાર પાસે પોતાના દાવાને સાબિત કરતો એક પણ દસ્તાવેજ ન હતો; હાઈકોર્ટના કડક વલણ બાદ અરજી પાછી ખેંચી લેવાની પડી નોબત

પ્રયાગરાજ : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવીને તેમને સંસદસભ્ય પદેથી હટાવવાની માગણી કરતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટની લખનૌ બેન્ચે સ્પષ્ટ કર્યું કે અરજદાર રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાના પોતાના દાવાને સમર્થન આપતો એક પણ નક્કર પુરાવો કે દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે આ અરજી પર વિચાર કરી શકાય તેમ નથી.

 

ન્યાયાધીશ શેખર બી. સરાફ અને ન્યાયાધીશ અબ્ધેશ કુમાર ચૌધરીની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે અરજદારે આક્ષેપ કર્યો હતો કે ૨૦૦૩માં યુકે સ્થિત 'બેકઓપ્સ લિમિટેડ' કંપનીમાં રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા હતા. જોકે, કોર્ટે દસ્તાવેજોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે યુકે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનો એવો કોઈ સત્તાવાર રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો ન હતો જે આ વાતની પુષ્ટિ કરે.

 

કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પત્ર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ

 

હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે અરજદારે પુરાવા તરીકે માત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલો એક પત્ર રજૂ કર્યો હતો, જે માત્ર 'રાઉલ વિન્સી'ના અભ્યાસની પુષ્ટિ કરે છે પરંતુ તેનાથી નાગરિકતા અંગેના ગંભીર આરોપો જરાય સાબિત થતા નથી. કોર્ટના આ કડક વલણ અને અવલોકનોને ધ્યાનમાં રાખીને અરજદારે આખરે પોતાની રિટ અરજી પાછી ખેંચી લેવાની વિનંતી કરી હતી, જેને મંજૂર કરીને કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

(7:41 PM IST)