તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો પહેલા TMCને મોટો ફટકો : ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના કેસમાં NIA એ 52 કાર્યકરોની ધરપકડ કરી
માલદામાં મતદાર યાદીના કામ દરમિયાન અધિકારીઓને 9 કલાક ગોંધી રાખ્યા હતા : સુજાપુરના ઉમેદવાર સબીના યાસ્મિનના એજન્ટ સહિતના નેતાઓને NIAએ પૂછપરછ માટે બોલાવ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે જ્યારે સૌ કોઈ મતગણતરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે માલદા જિલ્લામાંથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોથાબાડી વિસ્તારમાં ન્યાયિક અધિકારીઓને કથિત રીતે બંધક બનાવવાના ગંભીર મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના ગયા મહિને બની હતી જ્યારે ન્યાયિક અધિકારીઓ મોથાબાડી વિસ્તારમાં મતદાર યાદીના સત્યાપન (SIR) નું કામ કરી રહ્યા હતા. જે લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, તેવા ટોળાએ અધિકારીઓને ઘેરી લીધા હતા. અધિકારીઓને આશરે 9 કલાક સુધી બંધક બનાવી તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. રાજ્યની CID એ આ ઘટનાના માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ચૂંટણી પંચે આ કેસની તપાસ NIA ને સોંપી છે.
TMC નેતાઓ અને એજન્ટો રડારમાં
NIA એ આ મામલે તપાસ તેજ કરતા 3 મે, 2026 ના રોજ TMC ના અનેક નેતાઓને કાલિયાચક પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાપુર વિધાનસભા બેઠકના TMC ઉમેદવાર સબીના યાસ્મિનના ચૂંટણી એજન્ટ અબ્દુલ રહેમાનને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીઓ આ હિંસક ઘટનામાં રાજકીય સંડોવણીના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
52 લોકો જેલના સળિયા પાછળ
ન્યાયિક અધિકારીઓ પરના હુમલા અને તેમને બંધક બનાવવાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકીના કેટલાક આરોપીઓ NIA ની કસ્ટડીમાં છે તો કેટલાક ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓના મતે, ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરનાર અને સરકારી અધિકારીઓને ડરાવનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોની ધરપકડ અને નેતાઓની પૂછપરછ TMC માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
