<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

થાઇલેન્ડ જનારા પ્રવાસીઓને મોટો ઝટકો: વિદેશીઓના વધતા ગુનાઓને કારણે સરકારે લીધો કડક નિર્ણય; ૯૦થી વધુ દેશો માટે વિઝા-મુક્ત રોકાણના દિવસો અડધા કર્યા!

ટૂરિઝમ અને વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરનારા માફિયાઓ પર બેંગકોક પ્રશાસનનો સપાટો; ૬૦ દિવસની મર્યાદા ઘટાડીને હવે મહત્તમ ૩૦ અને કેટલાક દેશો માટે માત્ર ૧૫ દિવસ કરાયા

બેંગકોક: ભારતીયો સહિત દુનિયાભરના પ્રવાસીઓ માટે સૌથી મનગમતું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા થાઇલેન્ડથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. થાઇલેન્ડમાં વિદેશી નાગરિકો દ્વારા થઈ રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓમાં અચાનક થયેલા ચિંતાજનક વધારાને રોકવા માટે ત્યાંની સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. થાઇલેન્ડની કેબિનેટે મંગળવારે ૯૦ થી વધુ દેશોના પ્રવાસીઓ માટે 'વિઝા-મુક્ત રોકાણ' (Visa-Free Stay) ની સમયમર્યાદામાં ભારે ઘટાડો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

થાઇલેન્ડના પ્રવાસન પ્રધાન સુરાસાક ફંચારોએનવોરાકુલે બેંગકોકમાં પત્રકારોને જણાવ્યું હતું કે, નવી વિઝા-મુક્ત અવધિ હવે દરેક દેશ સાથેના સંબંધો અને સુરક્ષાના આધારે અલગ-અલગ નક્કી કરવામાં આવશે. આ અંતર્ગત હવે મોટાભાગના વિદેશી નાગરિકોને માત્ર ૩૦ દિવસ સુધી જ દેશમાં વિઝા વિના રહેવાની મંજૂરી મળશે, જ્યારે કેટલાક દેશો માટે આ મર્યાદા ઘટાડીને માત્ર ૧૫ દિવસની જ કરી દેવામાં આવશે.

વિઝા સિસ્ટમના દુરુપયોગ અને ડ્રગ્સ કૌભાંડો પર ત્રાટકશે 'કોરડો'

દક્ષિણ-પૂર્વ એશિયાના આ સુંદર દેશના અર્થતંત્રમાં પર્યટન ઉદ્યોગ કરોડરજ્જુ સમાન છે, પરંતુ તાજેતરમાં ત્યાં વિદેશી નાગરિકોની હાઇ-પ્રોફાઇલ ધરપકડોની એક લાંબી શ્રેણી જોવા મળી છે. જેમાં ડ્રગ્સની હેરાફેરી, સેક્સ ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) અને યોગ્ય પરમિટ કે લાઇસન્સ વિના હોટલ તેમજ શાળાઓ જેવા કમર્શિયલ વ્યવસાયો ચલાવતા વિદેશી માફિયાઓનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વિદેશ પ્રધાન સિહાસાક ફુઆંગકેટકેઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ આકરો નિર્ણય કોઈ ચોક્કસ દેશને નિશાન બનાવવા માટે નથી, પરંતુ જે ગુનેગારો થાઇલેન્ડની ઉદાર વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી આચરે છે તેમને રોકવા માટેનો એક ભાગ છે.

અર્થતંત્રને વેગ આપવા લીધેલો નિર્ણય ઊંધો પડ્યો

સરકારના પ્રવક્તા રચદા ધનાદિરેકે પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રવાસીઓ અર્થતંત્રને વેગ આપવા જેવા આર્થિક લાભો પૂરા પાડતા હતા, પરંતુ વર્તમાન ઉદાર યોજનાએ કેટલાક ખોટા તત્વોને તેનો દુરુપયોગ કરવાની તક આપી દીધી છે. અગાઉ જુલાઈ ૨૦૨૪ માં પ્રવાસન વધારવા માટે જ વિઝા-મુક્ત અવધિ ૩૦ દિવસથી લંબાવીને ૬૦ દિવસ કરવામાં આવી હતી, જેને હવે ગુનાખોરીના કારણે ફરી ઘટાડવી પડી છે.

থાઇલેન્ડના જીડીપી (GDP) માં પ્રવાસન ક્ષેત્રનો હિસ્સો ૧૦ ટકાથી વધુ છે, પરંતુ કોવિડ રોગચાળા પછી પ્રવાસીઓની સંખ્યા હજુ પણ અપેક્ષિત સ્તરે પહોંચી શકી નથી. પ્રવાસન મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ આ વર્ષે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ૩.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેમાં મધ્ય-પૂર્વ (Middle East) ના પ્રવાસીઓમાં લગભગ ત્રીજા ભાગનો મોટો ઘટાડો થયો છે. જોકે, સરકારે આ વર્ષે ૩૩.૫ મિલિયન વિદેશી પ્રવાસીઓ આવવાની આશા વ્યક્ત કરી છે, પણ આ નવા કડક નિયમો બાદ સામાન્ય પ્રવાસીઓના આયોજન પર ચોક્કસ અસર પડશે.

(6:39 PM IST)