<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર : આગામી ૧ ડિસેમ્બરથી ૧૧૨ બીમારીઓની સારવાર અને ઓપરેશન માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થશે : ખાનગી હોસ્પિટલોમાંથી આ પેકેજ હટાવવાની તૈયારી

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણે તમામ રાજ્યોને મોકલ્યા દિશાનિર્દેશ : અગાઉ ૨૩ પેકેજ અનામત રખાયા બાદ હવે વધુ ૮૯ પેકેજ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરાશે : ખર્ચ ઘટાડવા અને સરકારી આરોગ્ય માળખાને મજબૂત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત યોજના' હેઠળ દેશભરમાં રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર મેળવતા લાભાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ યોજનામાં મોટો ફેરફાર કરતા હવે કુલ ૧૧૨ જેટલી બીમારીઓની સારવાર અને ઓપરેશનના પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલો માટે જ અનામત રાખવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા અગાઉ ૨૩ પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા હતા, જ્યારે હવે આગામી ૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં અન્ય ૮૯ પેકેજને પણ સરકારી હોસ્પિટલો પૂરતા સીમિત કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણોને દિશાનિર્દેશો મોકલી આપવામાં આવ્યા છે. જોકે, આ પેકેજોને ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે.

૧ ડિસેમ્બર ૨૦૨૬થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમમાં થશે અમલ : રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના ઉપસચિવ ડૉ. શૈલેષ દ્વારા તમામ રાજ્યોના સ્ટેટ હેલ્થ ઓથોરિટી (SHA) ને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, જાહેર આરોગ્ય સુવિધાઓ માટે આરક્ષિત કરાયેલા પેકેજોની નવી યાદી આગામી ૧ ડિસેમ્બર ૨૦૨૬થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કેરળ, કર્ણાટક, મેઘાલય, મણિપુર, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં આ વ્યવસ્થા અગાઉથી જ આંશિક રીતે અમલમાં છે. હવે સમગ્ર દેશમાં એકસમાન વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

ખાનગી હોસ્પિટલોનો ખર્ચ ઘટાડવા અને સરકારી તંત્રને સક્ષમ બનાવવાનો લક્ષ્યાંક : આરોગ્ય નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલોમાંથી આ પેકેજ હટાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી હોસ્પિટલો પાછળ થતો સરકારી ખર્ચ ઘટાડવાનો અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો છે. આ યાદીમાં ડે-કેર સારવાર, ઓપરેશન તેમજ લાંબી ચાલતી સારવારનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યોમાં એ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે કે સરકારી હોસ્પિટલોમાં આ તમામ ૧૧૨ પેકેજ હેઠળ સારવાર આપવા માટે પૂરતા ડૉક્ટરો અને સંસાધનો ઉપલબ્ધ છે કે કેમ. બીજી તરફ, ઉત્તરાખંડ સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ આ અંગે હોસ્પિટલો અને નિષ્ણાતો સાથે બેઠક યોજીને સૂચનો મેળવ્યા છે, જ્યાં રાજ્યમાં ૩૫૦થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી છે. દૂન મેડિકલ કોલેજ હોસ્પિટલના એમએસ ડૉ. આર.એસ. બિષ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લગભગ તમામ પ્રકારની સારવાર અને સર્જરી થઈ રહી છે અને માંગવામાં આવેલી વિગતો પ્રાધિકરણને મોકલવામાં આવી રહી છે.

સરકારી હોસ્પિટલોમાં થનારી મુખ્ય સારવાર અને ઓપરેશનની યાદી : આ ૧૧૨ પેકેજોમાં ગાયનેક (સ્ત્રી રોગ), જનરલ સર્જરી, માનસિક રોગ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, ઈએનટી (કાન-નાક-ગળા) અને નેત્ર રોગ વિભાગની બીમારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લિવર ડિસીઝ, સિવિયર એનિમિયા, પેન્ક્રિયાટાઇટિસ, એક્યુટ બ્રોન્કાઇટિસ, હેપેટાઇટિસ, મૂડ ડિસઓર્ડર, તણાવ વ્યવસ્થાપન, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયેરિયા, બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, એમટીપી, હિસ્ટ્રેક્ટમી, ગર્ભાશયનું ઓપરેશન, મોતિયો (મોતિયાબિંદ), સાયકોલોજી બિહેવિયર, મેન્ટલ ડિસઓર્ડર, એન્ઝાયટી, એડીએચડી (ADHD), ગ્લુકોમા સ્ક્રીનિંગ, ફ્રેક્ચર અને ઈએનટી સર્જરી જેવી સારવારો હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ બનશે.

(8:22 AM IST)