તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
બલૂચિસ્તાનમાં મોટો ફેરફાર: પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ કેપ્ટન રહેમાન ગુલ બશીર ઝેબના રાજીનામા બાદ બીએલએના નવા કમાન્ડર-ઇન-ચીફ બન્યા
પ્રતિબંધિત અલગતાવાદી સંગઠનના નેતૃત્વમાં આવેલા આ અણધાર્યા પરિવર્તનથી સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે, કારણ કે નવા વડા અગાઉ પાકિસ્તાની સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે.

ક્વેટા, તા.૧૭: બલૂચ લિબરેશન આર્મી દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણયમાં પાકિસ્તાન સેનાના ભૂતપૂર્વ કેપ્ટન રહેમાન ગુલને સંગઠનના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે સર્વસંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે, જે બલૂચિસ્તાનના વિદ્રોહી ઇતિહાસમાં એક મોટો વળાંક સાબિત થઈ રહ્યો છે.
બશીર ઝેબ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યા બાદ સંગઠનની વરિષ્ઠ કમાન્ડ કાઉન્સિલ દ્વારા આ નિમણૂક અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રહેમાન ગુલ અગાઉ પાકિસ્તાન આર્મીની ૧૯ ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં કેપ્ટન તરીકે સેવા આપતા હતા, પરંતુ વર્ષ ૨૦૧૦માં નાગરિકો પરના અત્યાચારોનો વિરોધ કરીને તેમણે સેના છોડી દીધી હતી અને બાદમાં અલગતાવાદી સંગઠનમાં જોડાઈ ગયા હતા.
તેમણે પોતાની લશ્કરી કારકિર્દી દરમિયાન કોટલી તેમજ વઝીરિસ્તાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ઓપરેશન સંભાળ્યા હતા અને બઢતી પહેલાં તેઓ આત્મઘાતી હુમલાઓ સાથે સંકળાયેલા માજીદ બ્રિગેડનું નેતૃત્વ પણ સંભાળી રહ્યા હતા.
આ નિમણૂકનું એક સૌથી મોટું આશ્ચર્યજનક પાસું એ છે કે રહેમાન ગુલનો નાનો ભાઈ હાલમાં પણ પાકિસ્તાન સેનાના સિગ્નલ્સ કોર્પ્સમાં મેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે, જે સેનાની આંતરિક સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
ભૂતકાળમાં પાકિસ્તાની સેના દ્વારા રહેમાન ગુલને મૃત જાહેર કરવામાં આવ્યા હોવા છતાં આ સંગઠને તેમને પોતાના સર્વોચ્ચ પદ પર બેસાડીને સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક નવો પડકાર ખડો કર્યો છે અને આગામી સમયમાં આ ક્ષેત્રની સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનવાની સંભાવના છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
