તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
બંગાળમાં મોટો ઉલટફેર: મહિલાઓને દર મહિને મળશે ₹૩,૦૦૦ અને મફત બસ સફર, જ્યારે મદરેસાઓ અને ઇમામોની સરકારી સહાય પર સુવેન્દુ કેબિનેટે ફેરવી કાતર
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની બીજી કેબિનેટ બેઠકમાં લેવાયા સપાટાબંધ ઐતિહાસિક નિર્ણયો; 'અન્નપૂર્ણા ભંડાર' યોજનાને મંજૂરી, સાતમા પગાર પંચની રચના અને ૨૦૧૧ પછીની OBC યાદી ફરી તપાસાશે!

કોલકાતા, તા.૧૮: પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તા પરિવર્તન બાદ હવે નિર્ણયોની સુનામી આવી ગઈ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યની જનતાને સ્પર્શતા અનેક ક્રાંતિકારી તથા વિવાદાસ્પદ નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. નવી સરકારે એક તરફ મહિલાઓ માટે તિજોરીના દ્વાર ખોલી નાખ્યા છે, તો બીજી તરફ તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવાનો દાવો કરીને મદરેસાઓને અપાતી આર્થિક મદદ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.
૧ જૂનથી મહિલાઓના ખાતામાં ખખડશે લક્ષ્મી: 'અન્નપૂર્ણા ભંડાર'ને લીલી ઝંડી
બંગાળ મંત્રીમંડળની આ બેઠકમાં મહિલા સશક્તિકરણ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ચૂંટણી વાયદાને પૂરો કરતાં 'અન્નપૂર્ણા ભંડાર યોજના'ને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત આગામી ૧ જૂનથી રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને ₹૩,૦૦૦ ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓની સુવિધા માટે ૧ જૂનથી જ તમામ સરકારી બસોમાં મફત મુસાફરી (ફ્રી બસ સર્વિસ) ની સેવાનો પ્રારંભ પણ થઈ જશે.
કેબિનેટ મંત્રી અગ્નિમિત્ર પાલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, જે મહિલાઓના નામ અગાઉની 'લક્ષ્મી ભંડાર યોજના'માં નોંધાયેલા હતા, તેમને નવી અન્નપૂર્ણા ભંડાર યોજનાનો લાભ મેળવવા માટે કોઈ નવું ફોર્મ ભરવાની કે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. તેમનું ટ્રાન્સફર સીધું જ આ નવી યોજનામાં કરી દેવાશે.
મદરેસાઓ, ઇમામો અને મુએઝીનોની સરકારી સહાય બંધ
આ બેઠકનો સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય મદરેસાઓ તથા ધાર્મિક અગ્રણીઓને મળતા ભંડોળ અંગેનો છે. સુવેન્દુ સરકારે મોટો આંચકો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, હવેથી રાજ્યની કોઈપણ મદરેસાને સરકાર તરફથી કોઈ આર્થિક સહાય આપવામાં આવશે નહીં. આટલું જ નહીં, અત્યાર સુધી ઇમામો અને મુએઝીનોને ચૂકવવામાં આવતું માસિક ભથ્થું પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ અને OBC અનામતની ફરી તપાસ
રાજ્યના સરકારી કર્મચારીઓને રાજી રાખવા માટે કેબિનેટે સાતમા પગાર પંચ (7th Pay Commission) ની રચના કરવાની જાહેરાત કરી છે, જે લાંબા સમયથી લટકતી માંગ હતી. જોકે, કર્મચારીઓ માટે બાકી રહેલા મોંઘવારી ભથ્થા (DA) ની ચૂકવણી અંગે આ બેઠકમાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી.
આ સાથે જ સરકારે વધુ એક મોટો દાવ ખેલતાં વર્ષ ૨૦૧૧ થી રાજ્યમાં તૈયાર થયેલી અન્ય પછાત વર્ગ (OBC) ની અનામત યાદીની ફરીથી વ્યાપક તપાસ (Re-examination) કરાવવાની જાહેરાત કરી છે. અગાઉની સરકારો દરમિયાન ઓબીસી યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓને બહાર લાવવા માટે આ પગલું ભરાયું હોવાનું મનાય છે.
સરકારની કાર્યપદ્ધતિને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે હવેથી દર ૧૫ દિવસે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજવાનું પણ નક્કી કરાયું છે. સુવેન્દુ કેબિનેટના આ આક્રમક નિર્ણયો આગામી દિવસોમાં બંગાળના સામાજિક અને રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે તેમાં કોઈ શંકા નથી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
