તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
બિહાર શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ: CM સમ્રાટ ચૌધરીએ PTMમાં આપી હાજરી, સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત કરવાની અને દર 2-3 શાળાએ ટ્રેનર મૂકવાની કરી મોટી જાહેરાત!
વિદ્યાર્થીઓને 'મોબાઈલના વળગણ'થી દૂર રહી 90% માર્ક્સ લાવવાનો લક્ષ્યાંક આપ્યો; 700 મોડેલ સ્કૂલોમાં લાઈવ ક્લાસરૂમ શરૂ અને 'પેરેન્ટ્સ ઓફ ધ મંથ'નું સન્માન

પટના : બિહારના શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા લાવવા અને સરકારી શાળાઓનો ચહેરો બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ શનિવારે દાનાપુરના બટાગંજ સ્થિત રાજકીય મધ્ય વિદ્યાલયમાં યોજાયેલી 'NIPUN' થીમ આધારિત વાલી-શિક્ષક બેઠક (PTM)-2026માં રૂબરૂ હાજરી આપી હતી. સરકારી શાળાના આંગણે મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ માત્ર નિરીક્ષણ ન કર્યું પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને શિક્ષણના ધોરણો અને સુવિધાઓની સમીક્ષા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ચૌધરીએ રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. તેમણે આવતા વર્ષથી જ તમામ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત બનાવવાની યોજના તૈયાર કરવાની સૂચના આપી હતી. આધુનિક ટેકનોલોજીના યુગમાં સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાઓથી પાછળ ન રહી જાય તે માટે તેમણે દર 2 થી 3 શાળાઓના ક્લસ્ટર દીઠ એક વિશેષ કોમ્પ્યુટર પ્રશિક્ષક (ટ્રેનર) ની નિમણૂક કરવાનું સૂચન પણ કર્યું હતું.
વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધતા મુખ્યમંત્રીએ તેમને જીવનમાં સફળ થવા માટે મોટો મંત્ર આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીના આ પાયાના વર્ષોમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના બિનજરૂરી ઉપયોગથી દૂર રહેવા કડક ચેતવણી આપી હતી. ચૌધરીએ ઉમેર્યું કે, "ધોરણ 7 અને 8 એ તમારી કારકિર્દીનો પાયો છે. આ દિવસોમાં મોબાઈલ છોડીને સખત મહેનત કરો અને પરીક્ષાઓમાં 90 ટકાથી વધુ માર્ક્સ લાવવાનો લક્ષ્યાંક રાખો." તેમણે ટ્યુશન અને કોચિંગ પર નિર્ભર રહેવાને બદલે વર્ગખંડમાં જ શિક્ષકો પાસેથી વિભાવનાઓ (concepts) ક્લિયર કરવા આગ્રહ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ 'મારા સપનાનું ભારત' ચિત્ર સ્પર્ધાનું નિરીક્ષણ કરી બાળકોની સર્જનાત્મકતા બિરદાવી હતી. તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને શિસ્તબદ્ધ વાલીઓને 'પેરેન્ટ્સ ઓફ ધ મંથ' એવોર્ડથી નવાજ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યભરની 700 જેટલી મોડેલ શાળાઓમાં ઓનલાઇન લાઈવ ક્લાસરૂમ શરૂ થઈ ચૂક્યા છે, જેથી છેવાડાના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વાતાવરણ મળી શકે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
