News of Wednesday, 8th July 2026
અયોધ્યા રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર: VIP પાસ સિસ્ટમ પર લાગ્યું 'ગ્રહણ', ટ્રસ્ટે લીધો મહત્વનો નિર્ણય
પ્રસાદ ચોરીની ઘટના બાદ રામ મંદિર ટ્રસ્ટ એલર્ટ મોડ પર; ટ્રસ્ટીઓના સ્પેશિયલ રેફરન્સ ID સસ્પેન્ડ થતા VIP દર્શન પ્રક્રિયામાં થશે ફેરફાર

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટેની VIP પાસ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં મંદિરમાંથી પ્રસાદની ચોરી થવાની ઘટના સામે આવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વધુ સાવધ બન્યું છે. સુરક્ષા અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ટ્રસ્ટે ખાસ દર્શન પાસ જારી કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત અન્ય ટ્રસ્ટીઓના જૂના રેફરન્સ ID ને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે નવા VIP પાસ જારી કરવાની પ્રક્રિયા મર્યાદિત બની છે.
ટ્રસ્ટના આ નિર્ણયથી હાલમાં જે ખાસ પાસ એક અઠવાડિયા પહેલા જારી કરવામાં આવ્યા હતા, તે જ માન્ય રહેશે. નવી સિસ્ટમ અને નવા ID બનાવવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય ભક્તો માટે ઓનલાઈન જારી થતા સામાન્ય દર્શન પાસ પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ ખાસ પાસ જારી કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો અને તેમાં થતી અનિયમિતતાઓને રોકવાનો છે. આગામી સમયમાં જ્યારે નવી વ્યવસ્થા સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, ત્યારે દર્શન પ્રક્રિયા ફરીથી સામાન્ય થઈ જશે.
મંદિરના કર્મચારીઓ અને પૂજારીઓનું વેતન પણ ચર્ચામાં
એક તરફ દર્શન વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે, તો બીજી તરફ મંદિરમાં પ્રસાદની ચોરીના કેસમાં કર્મચારીઓના નામ સામે આવતા તેમના વેતન અને સુવિધાઓ પણ ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં રામ મંદિરમાં વીસ જેટલા પૂજારીઓ સેવા આપી રહ્યા છે, જેમને અનુભવના આધારે દર મહિને આશરે ૩૩,૦૦૦ થી ૩૮,૦૦૦ રૂપિયાનું વેતન મળે છે, સાથે જ રહેવા-જમવાની સુવિધા પણ આપવામાં આવે છે.
તેવી જ રીતે, સ્ટોર મેનેજર અને અન્ય કર્મચારીઓને પણ તેમની જવાબદારી મુજબ ૧૯,૦૦૦ થી ૨૪,૦૦૦ રૂપિયા સુધીનું વેતન આપવામાં આવે છે. આ તમામ કર્મચારીઓને તબીબી સુવિધા અને સાપ્તાહિક રજા પણ મળે છે. પ્રસાદ ગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ પણ માસિક ૨૦,૦૦૦ રૂપિયા જેવું વેતન મેળવે છે. મંદિર ટ્રસ્ટ આ તમામ બાબતોની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં ભક્તોની શ્રદ્ધા સાથે કોઈ પણ પ્રકારની ચેડાં ન થાય અને અયોધ્યા આવતા કરોડો ભક્તોને શાંતિપૂર્ણ રીતે રામ લલ્લાના દર્શનનો લાભ મળે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
