હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ: ધોરણ ૧૦ માટે નવા NCERT પાઠ્યપુસ્તકો આવતા મહિનાથી આવવાનું શરૂ થશે : ધોરણ ૧૧ ના પુસ્તકો પર પણ તૈયારીઓ તેજ!
શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮થી વિદ્યાર્થીઓ ભણશે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત પુસ્તકો : માર્ચ ૨૦૨૭ સુધીમાં તમામ વિષયોના પુસ્તકો શાળાઓ સુધી પહોંચાડી દેવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી: દેશની શિક્ષણ વ્યવસ્થામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮થી દસમા ધોરણના વિદ્યાર્થીઓ હવે આ સુધારેલા અને આધુનિક શિક્ષણ શૈલી પર આધારિત નવા પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરશે. NCERT ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આવતા મહિનાથી જ તબક્કાવાર રીતે ધોરણ ૧૦ ના નવા પુસ્તકો બહાર પાડવાનું શરૂ કરી દેવામાં આવશે.
ગત શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ દરમિયાન ધોરણ ૯ ના સામાજિક વિજ્ઞાન સહિત કેટલાક વિષયોના પુસ્તકોના પ્રકાશનમાં વિલંબ થયો હતો, જેને ધ્યાનમાં રાખીને સંસ્થા આ વખતે પહેલેથી જ અત્યંત સતર્ક બની છે. શાળાઓમાં એપ્રિલ મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં, એટલે કે માર્ચ ૨૦૨૭ સુધીમાં તમામ વિષયોના નવા પુસ્તકો બજારમાં અને શાળાઓમાં સમયસર પહોંચી જાય તે માટે છાપકામ અને વિતરણનું સમયપત્રક ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ નકારાત્મક અસર ન પડે.
આટલું જ નહીં, NCERT એ ધોરણ ૧૦ ની સાથે જ ધોરણ ૧૧ ના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરી પણ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ૨૦૨૭-૨૮માં ધોરણ ૧૦ પાસ કરીને આગળ વધનારા વિદ્યાર્થીઓને સત્ર ૨૦૨૮-૨૯ માટે ધોરણ ૧૧ માં પણ NEP આધારિત નવા પુસ્તકો સમયસર મળી રહે. ઉલ્લેખનીય છે કે NCERT દ્વારા અત્યાર સુધીમાં પ્રી-પ્રાથમિક (કિન્ડરગાર્ટન) થી લઈને ધોરણ ૯ સુધીના તમામ વિષયોના મળીને આશરે ૧૩૪ જેટલા નવા પાઠ્યપુસ્તકો સફળતાપૂર્વક બહાર પાડવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
