<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો ફેરફાર: USને પાછળ છોડીને UAE બન્યો ભારતનો સૌથી મોટો LPG સપ્લાયર: ઓમાને પણ આપ્યો આંચકો

એક જ મહિનામાં બદલાયા ગ્રાઉન્ડ સમીકરણો: ભારતની LPG આયાતમાં UAEનો હિસ્સો વધીને ૩૯ ટકા થયો : જ્યારે LNG સપ્લાયમાં ઓમાને અમેરિકાને પછાડીને મેળવી પ્રમુખતા

નવી દિલ્હી  :  વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે એક અત્યંત ચોંકાવનારો અને નિર્ણાયક ઉલટફેર જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતની ઉર્જા આયાત નીતિ અને સપ્લાય ચેઇનમાં એવો મોટો ફેરફાર થયો છે કે તેનાથી વોશિંગ્ટન સુધી રાજકીય ગરમાવો આવી ગયો છે. મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ 'Kpler' ના તાજેતરના ડેટા અનુસાર, યુનાઇટેડ અરબ અમીરાત (UAE) હવે અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો એલપીજી (LPG) સપ્લાયર દેશ બની ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતની કુલ એલપીજી આયાતમાં UAE નો હિસ્સો અચાનક ઉછળીને ૩૯ ટકા (આશરે ૫,૪૭,૦૦૦ ટન) પહોંચી ગયો છે, જ્યારે અગાઉ ટોચ પર રહેલા યુનાઇટેડ સ્ટેટ્સનો હિસ્સો ઘટીને માત્ર ૨૩ ટકા પર આવી ગયો છે.

અમેરિકા માટે આ આંચકો માત્ર એલપીજી સુધી સીમિત નથી રહ્યો, પરંતુ એલએનજી (LNG) માર્કેટમાં પણ ઓમાને યુનાઇટેડ સ્ટેટ્સને પછાડીને ભારત માટે સૌથી મોટા સપ્લાયર તરીકેનું સ્થાન હસ્તગત કરી લીધું છે. ઓગસ્ટ મહિના સુધી છેલ્લા છ મહિનાથી યુએસ ભારતના મુખ્ય સપ્લાયર તરીકે પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ ખાડી દેશોમાંથી આવતા જહાજોની સંખ્યામાં થયેલા ઝડપી વધારાથી ગ્રાઉન્ડ રિયાલિટી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ફેરફાર માત્ર આંકડાઓનો નથી પરંતુ પશ્ચિમ એશિયાની ભૂ-રાજનીતિ, હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી અને ભારતની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ઉર્જા સુરક્ષા વ્યૂહરચનાની સફળતા દર્શાવે છે.

વાસ્તવમાં, ચાલુ વર્ષની શરૂઆતમાં યુએસ અને ઇરાન વચ્ચે વધેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ પરિવહન જોખમાયું હતું, જેનાથી ખાડી દેશોમાંથી સપ્લાય ખોરવાઈ ગઈ હતી. ભારત પોતાની એલપીજી જરૂરિયાતનો ૬૦ ટકા હિસ્સો આયાત કરે છે અને તેમાંથી ૯૦ ટકા પુરવઠો આ દરિયાઈ માર્ગે જ આવતો હોવાથી સંકટ ઊભું થયું હતું. તે સમયે અમેરિકાએ વિકલ્પ બનીને ભારતને સપ્લાય જાળવી રાખી હતી. જોકે, ગલ્ફ ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય થતાં અને લોજિસ્ટિક્સ ખર્ચ સાનુકૂળ બનતાં ખાડી દેશોએ પોતાની જૂની પકડ ફરી મજબૂત કરી લીધી છે, જેનાથી ભારતની રસોઈ ગેસ સપ્લાય વધુ સુરક્ષિત અને સસ્તી બની છે.

(5:15 PM IST)