<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ભારતીય રિયલ એસ્ટેટમાં મોટો બદલાવ: વિદેશી ફંડ્સ પાછા હટ્યા : દેશી રોકાણકારોના ભરોસે બજાર!

સ્થાનિક મૂડીનો દબદબો અને મોટા સોદાઓની અછત વચ્ચે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્થાનિક રોકાણકારોની ભાગીદારી ૨૫% થી ઉછળીને ૮૫% થઈ

નવી દિલ્હી :  નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના Q3 2026 કેપિટલ માર્કેટ રિપોર્ટ અનુસાર, ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખાનગી ઇક્વિટી (PE) રોકાણ 2026 ના પ્રથમ નવ મહિનામાં 31% ઘટીને $1.66 બિલિયન નોંધાયું છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 75% થી ઘટીને માત્ર 15% રહી ગયો છે, જેની સામે સ્થાનિક રોકાણકારોનો દબદબો 25% થી વધીને 85% પર પહોંચી ગયો છે. સોદાઓની સંખ્યા 24 થી વધીને 31 થઈ હોવા છતાં, મોટા મૂલ્યના કરારોના અભાવે સરેરાશ સોદાનું કદ 47% ઘટીને $53 મિલિયન રહ્યું છે.

ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક વ્યાજ દરો અંગેની અનિશ્ચિતતા અને સાવચેતીભર્યા વલણને કારણે વિદેશી ખાનગી ઇક્વિટી (PE) રોકાણકારોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના Q3 2026 કેપિટલ માર્કેટ રિપોર્ટ અનુસાર, 2026 ના પ્રથમ નવ મહિનામાં ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ PE રોકાણ વાર્ષિક ધોરણે 31% ઘટીને $1.66 બિલિયન રહ્યું છે, જે છ વર્ષનું સૌથી નીચું સ્તર છે. જોકે, રસપ્રદ વાત એ છે કે સોદાઓની સંખ્યા 24 થી વધીને 31 થઈ છે, જે દર્શાવે છે કે બજારમાં પ્રવૃત્તિ ચાલુ છે પરંતુ મોટા મેગા-ડીલ્સની ગેરહાજરીને કારણે સરેરાશ ડીલ સાઈઝ 47% ઘટીને $53 મિલિયન થઈ ગઈ છે.ઓફિસ સેગમેન્ટ $1.18 બિલિયનના રોકાણ સાથે પ્રાથમિક પસંદગી બની રહ્યું છે, જેમાં 78% મૂડી તૈયાર  પ્રોપર્ટીઝમાં રોકાણ પામી છે. બીજી તરફ, રહેણાંક ક્ષેત્રમાં $320 મિલિયનનું રોકાણ આવ્યું, જેમાં 97% ભંડોળ દેવા  અને માળખાગત ધિરાણ આધારિત રહ્યું છે. રહેણાંક ક્ષેત્રના કુલ રોકાણમાંથી 63% હિસ્સો એકલા NCR પ્રદેશમાં ગયો છે.

વિદેશી રોકાણકારોની સુસ્ત હાજરી વચ્ચે સ્થાનિક (ભારતીય) રોકાણકારો રિયલ એસ્ટેટ બજાર માટે સંજીવની સમાન સાબિત થયા છે. ૨૦૨૫ ના પ્રથમ નવ મહિનામાં કુલ PE રોકાણમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો માત્ર ૨૫% હતો, જે ૨૦૨૬ ના સમાન સમયગાળામાં વિસ્ફોટક ઉછાળા સાથે ૮૫% એ પહોંચી ગયો છે, જ્યારે વિદેશી રોકાણકારોનો હિસ્સો ૭૫% થી ઘટીને ૧૫% પર આવી ગયો છે. ક્ષેત્રવાર જોઈએ તો, રોકાણકારો માટે 'ઓફિસ સ્પેસ' પ્રથમ પસંદગી બની રહી છે, જેમાં કુલ રોકાણના ૭૧% ($૧.૧૮ બિલિયન) આકર્ષાયા છે. બાંધકામના જોખમો ટાળવા અને નિશ્ચિત ભાડાની આવક મેળવવા માટે રોકાણકારો તૈયાર (Ready-to-move-in) ઓફિસ પ્રોપર્ટીઝમાં વધુ રસ દાખવી રહ્યા છે.આ સમયગાળા દરમિયાન વેરહાઉસિંગ ક્ષેત્રે 66% નો વૃદ્ધિ દર નોંધાવતા $160 મિલિયનનું રોકાણ મેળવ્યું, જ્યારે રિટેલ ક્ષેત્રે સંપૂર્ણપણે શૂન્ય રોકાણ નોંધાયું છે. શહેરવાર દ્રષ્ટિએ, $568 મિલિયન (34% હિસ્સો) મેળવીને NCR દેશનું સૌથી મોટું PE ઇન્વેસ્ટમેન્ટ હબ બન્યું છે, જેની પાછળ $356 મિલિયન સાથે પુણે બીજા ક્રમે રહ્યું છે.

(11:54 PM IST)