તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ગ્રામિણ રોજગારમાં મોટો ફેરફાર : દેશભરમાં આજથી ‘જી-આર.એ.એમ.જી.' કાયદાનો અમલ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગ્રામિણ રોજગાર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારા કરતાં ‘જી-આર.એ.એમ.જી.' કાયદો આજથી સમગ્ર દેશમાં અમલમાં મૂક્યો છે. નવા કાયદા હેઠળ ગ્રામિણ પરિવારોને વર્ષના ૧૦૦ દિવસના બદલે હવે ૧૨૫ દિવસ રોજગારની કાયદેસર ગેરંટી મળશે. મજૂરીની ચૂકવણી સીધી બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં થશે અને સમયસર ચૂકવણી ન થાય તો વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગ્રામિણ વિસ્તારોમાં રોજગારની તકો વધારવા અને આજીવિકા વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલો ‘જી-આર.એ.એમ.જી.' કાયદો આજે બુધવાર તા. ૧ જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ સાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી કાયદાના સ્થાને નવી વ્યવસ્થા લાગુ થઈ છે.
નવા કાયદા હેઠળ પાત્ર ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં ૧૨૫ દિવસ સુધી રોજગારની કાયદેસર ગેરંટી આપવામાં આવશે. અગાઉ આ મર્યાદા ૧૦૦ દિવસની હતી. કામદારોને મળનારી મજૂરી સીધી તેમના બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવામાં આવશે. મસ્ટર રોલ પૂર્ણ થયા બાદ ૧૫ દિવસની અંદર અથવા સાપ્તાહિક ધોરણે ચૂકવણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો ચૂકવણીમાં વિલંબ થશે તો લાભાર્થીને વળતર મેળવવાનો અધિકાર પણ રહેશે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલના રોજગાર કાર્ડ નવા કાર્ડ આપવામાં આવે ત્યાં સુધી યથાવત્ માન્ય રહેશે અને કોઈપણ લાભાર્થીના રોજગાર પર તેની અસર નહીં પડે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગ્રામિણ રોજગાર યોજના માટે રૂ. ૯૫ હજાર ૬૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રોજગાર પૂરું પાડવાનો નથી, પરંતુ ગ્રામિણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવું, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું, પાણી સંરક્ષણ, વૃક્ષારોપણ અને ગ્રામિણ માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો પણ છે.
* વર્ષના ૧૦૦ દિવસના બદલે હવે ૧૨૫ દિવસ રોજગારની ગેરંટી.
* મજૂરી સીધી બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થશે.
* ૧૫ દિવસમાં ચૂકવણી નહીં થાય તો વળતરનો અધિકાર.
* હાલના રોજગાર કાર્ડ નવા કાર્ડ મળે ત્યાં સુધી માન્ય રહેશે.
* યોજના માટે રૂ. ૯૫ હજાર ૬૯૨ કરોડની જોગવાઈ.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
