<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

૧ ઓક્ટોબરથી SBI ના નિયમોમાં મોટો ફેરફાર: ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સના ખિસ્સા પર વધશે ભાર!

અન્ય બેંકોના ATM પર મફત ટ્રાન્ઝેક્શનની લિમિટ ૧૦ થી ઘટીને માત્ર ૫ થશે: મર્યાદા પૂરી થયા બાદ દરેક ઉપાડ પર ₹૨૩ + GST વસૂલવામાં આવશે

નવી દિલ્હી | તા.૦૩: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું ધરાવતા અને સેલેરી પેકેજ એકાઉન્ટ (Salary Package Account) નો ઉપયોગ કરતા ગ્રાહકો માટે અત્યંત મહત્વના અહેવાલ સામે આવ્યા છે. બેંકે ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી અન્ય બેંકોના એટીએમ (ATM) પર મળતા મફત ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ અમલી બન્યા બાદ અન્ય બેંકના એટીએમનો વારંવાર ઉપયોગ કરવો ગ્રાહકો માટે મોંઘો સાબિત થશે.

 

નવા સુધારેલા નિયમો અનુસાર, ૧ ઓક્ટોબરથી SBI સેલેરી પેકેજ ખાતાધારકો માટે અન્ય બેંકોના ATM અથવા ADWM મશીનો પર દર મહિને મળતા ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૧૦ થી ઘટાડીને માત્ર ૫ કરી દેવામાં આવી છે. ખાસ નોંધનીય છે કે આ ૫ મફત ટ્રાન્ઝેક્શનમાં રોકડ રકમ ઉપાડવા ઉપરાંત બેલેન્સ ચેક કરવું કે મિની સ્ટેટમેન્ટ કાઢવા જેવા બિન-નાણાકીય (Non-financial) ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ થઈ જશે.

 

જો કોઈ ગ્રાહક મહિનામાં ૫ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવ્યા બાદ છઠ્ઠી વખત અન્ય બેંકના એટીએમમાંથી રોકડ રકમ ઉપાડશે, તો તેણે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹૨૩ વત્તા GST ચૂકવવો પડશે. જ્યારે મિની સ્ટેટમેન્ટ કે બેલેન્સ તપાસવા જેવા બિન-નાણાકીય વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹૧૧ વત્તા GST નો ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે SBI ના પોતાના એટીએમ (SBI ATM) પર દર મહિને ૧૦ મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા યથાવત રહેશે.

 

આ ઉપરાંત, શૌર્ય ફેમિલી પેન્શન એકાઉન્ટ અને ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ (SBI રિશ્તે) ધરાવતા ગ્રાહકો SBI ના પોતાના ATM પર અમર્યાદિત મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે. સામાન્ય એટલે કે રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે અન્ય બેંકના એટીએમ પર ૫ મફત ટ્રાન્ઝેક્શનનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. ૧ ઓક્ટોબરથી થનારા આ ફેરફારથી બચવા માટે ગ્રાહકોને શક્ય હોય ત્યાં સુધી પોતાના એસબીઆઈ એટીએમનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

(4:44 PM IST)