<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

પહેલી નવેમ્‍બરથી જીએસટીમાં મોટા ફેરફારોની શક્‍યતાઃ નાના ઈ-કોમર્સ વેપારીઓને મળશે રાહત

જીએસટી કાયદામાં સુધારાની જરૂર હોય તેવા ફેરફારો ૧ એપ્રિલ, ૨૦૨૭ થી અમલમાં આવશે

નવી દિલ્‍હી,તા.૨૩: ગુડ્‍સ એન્‍ડ સર્વિસીસ ટેક્‍સ (જીએસટી) વ્‍યવસ્‍થામાં નાના ઈ-કોમર્સ વિક્રેતાઓ માટે નોંધણી સરળ બનાવવી, રિફંડ ઝડપી મેળવવું અને નોટિસ જાહેર કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયાની લઘુત્તમ મર્યાદા નક્કી કરવા જેવા સુધારાઓ ૧ નવેમ્‍બરથી અમલમાં આવે તેવી સંભાવના છે, એમ અધિકારીએ જણાવ્‍યું હતું.

જીએસટી સાથે સંબંધિત બાબતોની સર્વોચ્‍ચ સંસ્‍થા જીએસટી કાઉન્‍સિલે ૮ ઓક્‍ટોબરના રોજ તેની ૫૭મી બેઠકમાં નોંધણી, રિટર્ન, રિફંડ અને વિવાદ નિરાકરણ સંબંધિત અનેક સુધારાઓને મંજૂરી આપી હતી. અધિકારીએ જણાવ્‍યું હતું કે વહીવટી પ્રક્રિયાઓ દ્વારા લાગુ કરી શકાય તેવા ફેરફારો ૧ નવેમ્‍બર, ૨૦૨૬થી તબક્કાવાર લાગુ કરવામાં આવશે. જીએસટી કાયદામાં સુધારાની જરૂર હોય તેવા ફેરફારો ૧ એપ્રિલ, ૨૦૨૭ થી અમલમાં આવશે.

અધિકારીના જણાવ્‍યા અનુસાર, સંબંધિત નોટિફિકેશન અને પરિપત્રોને કાયદા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને શુક્રવારે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. પ્રસ્‍તાવિત ફેરફારો હેઠળ અનેક રાજ્‍યોમાં માલસામાન વેચતા નાના ઈ-કોમર્સ વિક્રેતાઓ સંબંધિત રાજ્‍યમાં ઈ-કોમર્સ પ્‍લેટફોર્મના વેરહાઉસને તેમના વ્‍યવસાયનું મુખ્‍ય સ્‍થળ જાહેર કરી શકશે.

આ માટે વિક્રેતાઓએ ઓછામાં ઓછા એક રાજ્‍યમાં ભૌતિક હાજરી હોવી જરૂરી છે. ભૌતિક ચકાસણી અને આધાર પ્રમાણીકરણ પૂર્ણ કર્યા પછી ઈ-કોમર્સ પ્‍લેટફોર્મની સંમતિથી અન્‍ય રાજ્‍યોમાં નોંધણી મેળવી શકાય છે. આ વ્‍યવસ્‍થાથી આશરે ૯.૫ લાખ નાના વિક્રેતાઓને ફાયદો થવાની અપેક્ષા છે.

જીએસટી નોંધણી માટે જરૂરી દસ્‍તાવેજો અને માહિતી અંગે વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે. આનાથી જીએસટી પોર્ટલ પર અરજી પ્રક્રિયા સરળ બનશે અને દસ્‍તાવેજોના અભાવે અથવા વધારાની માહિતી માટેની વિનંતીઓને કારણે અરજીઓ નકારવામાં આવતી ઘટનાઓમાં ઘટાડો થશે. ટેક્‍સ રિફંડના કિસ્‍સામાં ઇલેક્‍ટ્રોનિક કેશ એકાઉન્‍ટમાં વધારાની રકમ પરત કરવાની પ્રક્રિયા સ્‍વચાલિત થશે.

ઝીરો-રેટેડ સપ્‍લાય અને રિવર્સ ડ્‍યુટી સ્‍ટ્રક્‍ચર્સ સંબંધિત રિફંડ દાવાઓમાં જોખમ મૂલ્‍યાંકનના આધારે ૯૦ ટકા રકમની કામચલાઉ મંજૂરીની જોગવાઈ પણ હશે. વધુમાં રિફંડ અરજી અથવા ડેફિસિઅન્‍સી મેમોની પ્રાપ્તિની નોટિસ જાહેર કરવાની સમયમર્યાદા ૧૫ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરવામાં આવશે.

કર વિવાદો અને પાલનના ભારણને ઘટાડવા માટે નોંધાયેલા વ્‍યવસાયોને કારણ બતાવો નોટિસ જાહેર કરવા માટે લઘુત્તમ મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયા નક્કી કરવાનો પણ પ્રસ્‍તાવ છે.

(9:55 AM IST)