<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર મોટો વિવાદ: રનવે વચ્ચે આવેલી મસ્જિદમાં નમાજ પર પ્રતિબંધ મુકાતા સ્થિતિ તણાવપૂર્ણ : એરપોર્ટને છાવણીમાં ફેરવાયું, સુરક્ષા માટે CAPFના જવાનો તૈનાત

એરપોર્ટ ઓથોરિટીએ ઉડાન સુરક્ષાને કારણે લીધો નિર્ણય : પ્રતિબંધના વિરોધમાં લોકો એકઠા થતા વહીવટી તંત્ર એલર્ટ-મુસાફરોની સુરક્ષા માટે વધારાની ચેકિંગ, ફ્લાઈટ સંચાલન યથાવત

કોલકાતા, તા. 17 : પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સુરક્ષાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. એરપોર્ટના રનવે વચ્ચે આવેલી એક મસ્જિદમાં નમાજ પઢવા પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ સ્થિતિ અચાનક વણસી ગઈ હતી.

 

મામલો ગંભીર બનતા સમગ્ર એરપોર્ટ પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ - CAPFના જવાનોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર રનવેની મધ્યમાં આવેલી આ મસ્જિદ અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને નમાજ અદા કરવાથી ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધ તેમજ સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે. આ જ કારણોસર નમાજ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રતિબંધના સમાચાર ફેલાતા જ સ્થાનિક સમુદાયના કેટલાક લોકો અને સંગઠનો એરપોર્ટ બહાર એકઠા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિને કાબૂમાં રાખવા માટે કોલકાતા પોલીસ ઉપરાંત CAPFની ટુકડીઓને તાત્કાલિક એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. હાલ એરપોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુસાફરોની સુરક્ષા અને એરપોર્ટનું સરળ સંચાલન* એ સૌથી મોટી પ્રાથમિકતા છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે નમાજ માટે એરપોર્ટ પરિસરની બહાર વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

હાલ એરપોર્ટ પરથી ફ્લાઈટોનું સંચાલન સામાન્ય રીતે ચાલુ છે. જોકે મુસાફરોને વધારાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે થોડો વિલંબ પણ થઈ રહ્યો છે.

આ ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

(4:38 PM IST)