<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

તમિલનાડુના મુખ્યમંત્રી પદે વિજયના શપથ ગ્રહણ પૂર્વે મોટો વિવાદઃ ટીટીવી દિનાકરને ટીવીકે પક્ષ પર રાજ્યપાલને નકલી સમર્થન પત્ર આપવાનો ગંભીર આક્ષેપ કરતા રાજકારણ અત્યંત ગરમાયું

ચેન્નાઈ: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાની કવાયત વચ્ચે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થયો છે, જેમાં મુખ્યમંત્રી પદના દાવેદાર થલાપતિ વિજય આજે શપથ લે તે પહેલાં જ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તેમની પાર્ટી ટીવીકે સામે સંગીન આરોપો લાગ્યા છે.

 

એએમએમકે પક્ષના વડા ટી. ટી. વી. દિનાકરને મીડિયા સમક્ષ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે વિજયની પાર્ટી ટીવીકે દ્વારા તમિલનાડુના રાજ્યપાલને, સરકાર બનાવવા માટે, જે સમર્થન પત્ર રજૂ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે.

 

દિનાકરને સ્પષ્ટતા કરી છે કે તેમની પાર્ટીના મન્નારગુડી બેઠકના એકમાત્ર વિજેતા એમએલએ એસ. કામરાજનું સમર્થન ટીવીકેને બિલકુલ નથી, છતાંય ટીવીકે દ્વારા રાજ્યપાલને કામરાજની ખોટી સહીવાળો પત્ર વ્હોટ્સએપ મારફતે મોકલીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ ગંભીર મુદ્દે દિનાકરન અને તેમની પાર્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જોકે બીજી તરફ વિજયની પાર્ટી ટીવીકે દ્વારા આ તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે અને તેને અફવા ગણાવીને એક વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે.

 

પ્રાદેશિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નકલી પત્રના વિવાદે તમિલનાડુના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે, જેને પગલે બહુમતીનો આંકડો ભેગો કરવામાં થલાપતિ વિજયને અત્યંત કપરાં ચઢાણનો સામનો કરવો પડી રહ્યો છે.

(9:26 AM IST)