તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 31st July 2026
મીડિયા જગતમાં કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો મોટો જંગ: 'દેશ કી પાઠશાળા' વિવાદમાં ટાઈમ્સ નાઉ નવભારત પહોંચ્યું દિલ્હી હાઈકોર્ટ, નેટવર્ક18 અને સુશાંત સિંહાને સમન્સ!
'ન્યૂઝ કી પાઠશાળા' શોના ફોર્મેટ, કન્સેપ્ટ અને નામની ચોરી કરવાનો બેનેટ કોલમેન કંપનીનો ગંભીર આરોપ; દિલ્હી હાઈકોર્ટે વચગાળાની રાહત પર નોટિસ જારી કરી આગામી સુનાવણી 25 ઓગસ્ટ પર રાખી.

નવી દિલ્હી : ભારતીય ન્યૂઝ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં બે મોટા મીડિયા હાઉસ વચ્ચે બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) ના અધિકારોને લઈને કાનૂની જંગ જામ્યો છે. ટાઈમ્સ નાઉ નવભારત ન્યૂઝ ચેનલની માલિકી ધરાવતી 'બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ' (BCCL) એ નેટવર્ક18 અને તેના જાણીતા એન્કર સુશાંત સિંહા સામે ટ્રેડમાર્ક અને કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કરીને દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ વિવાદ નેટવર્ક18 પર શરૂ થયેલા નવા શો "દેશ કી પાઠશાળા" ના નામ અને તેના ક્લાસરૂમ ફોર્મેટને લઈને ઊભો થયો છે.
BCCL ના વરિષ્ઠ વકીલ હેમંત સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે આ શો તેમના લોકપ્રિય શો "ન્યૂઝ કી પાઠશાળા" ની સંપૂર્ણ નકલ છે. ઉલ્લેખનીય છે કે પત્રકાર સુશાંત સિંહા અગાઉ ટાઈમ્સ નાઉ નવભારતમાં જ આ શો હોસ્ટ કરતા હતા અને એપ્રિલ 2026 માં તેઓ અન્ય કર્મચારીઓ સાથે નેટવર્ક18 માં જોડાયા હતા. BCCL નો આરોપ છે કે શોનું કન્સેપ્ટ, વર્ગખંડ જેવું વાતાવરણ, ડિજિટલ બ્લેકબોર્ડ, ટીચર જેવી એન્કરિંગ સ્ટાઇલ અને લોગોની કલર સ્કીમ બધું જ તેમના ઓરિજિનલ શોમાંથી ચોરી કરવામાં આવ્યું છે, જે તેમની બ્રાન્ડ વેલ્યુ અને શ્રદ્ધાને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે.
કોર્ટમાં નેટવર્ક18 નો પલટવાર: બીજી તરફ નેટવર્ક18 અને સુશાંત સિંહાના વકીલોએ આ આરોપોને ફગાવતા દલીલ કરી હતી કે 'પાઠશાળા' શબ્દ પર કોઈ એકનો એકાધિકાર હોઈ શકે નહીં અને 2015 થી ઘણા કાર્યક્રમોમાં આ શબ્દનો ઉપયોગ થતો આવ્યો છે.
ન્યાયાધીશ અનુપ જયરામ ભાંભાણી સમક્ષ હાથ ધરાયેલી આ સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે તે પ્રતિવાદીઓનો લેખિત જવાબ આવ્યા બાદ જ વચગાળાના સ્ટે (મનાઈહુકમ) પર વિચાર કરશે. કોર્ટે નેટવર્ક18 અને સુશાંત સિંહાને સમન્સ અને નોટિસ જારી કરીને આ મામલાની વધુ સુનાવણી 25 ઓગસ્ટ, 2026 ના રોજ મુકરર કરી છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
