તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 21st September 2026
મુંબઈમાં સાયબર ઠગાઈનો મોટો પર્દાફાશ: નકલી સ્ટોક ટ્રેડિંગ સ્કીમની લાલચમાં કાંજુરમાર્ગના વેપારીએ ગુમાવ્યા અધધ રૂ. 94 લાખ
ઇન્સ્ટાગ્રામની એક સામાન્ય વિડિયો જાહેરાતથી શરૂ થયું કૌભાંડ: વોટ્સએપ ગ્રુપ અને નકલી ટ્રેડિંગ એપ દ્વારા રચવામાં આવી ઠગાઈની ખતરનાક જાળ

મુંબઈ : મુંબઈ શહેરમાં સાયબર ક્રાઈમના વધતા જતા જોખમ વચ્ચે છેતરપિંડીની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાંજુરમાર્ગ વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષીય એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ચાલતી નકલી સ્ટોક ટ્રેડિંગ સ્કીમનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ ઊંચા વળતરની લાલચ આપીને માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં તેમની પાસેથી અધધ રૂ. ૯૪ લાખ પડાવી લીધા છે. આ મામલે પીડિત દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે કડક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ ગત ૩૦ જુલાઈ ૨૦૨૬ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ની વચ્ચે આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પીડિત જ્યારે પોતાના ઘરે મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર શેરબજારમાં રોકાણ સંબંધીત એક આકર્ષક વિડિયો જાહેરાત પર પડી હતી. વધુ માહિતી મેળવવા માટે તેમણે જેવું તે લિંક પર ક્લિક કર્યું, કે તરત જ તેમનો મોબાઈલ નંબર એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયો હતો. ત્યારબાદ ઠગોએ આધુનિક યુક્તિઓ અપનાવીને પીડિતનો વિશ્વાસ જીત્યો હતો.
નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ઊંચા નફાનો ખોટો ડેટા
વોટ્સએપ ગ્રુપના એડમિન્સે પીડિતનો વ્યક્તિગત સંપર્ક સાધીને શેરબજારમાં અસાધારણ નફો અપાવવાની મોટી મોટી વાતો કરી હતી. ઠગોએ વિશ્વાસ કેળવવા માટે એક નકલી વેબસાઇટની લિંક મોકલીને એક એપ ડાઉનલોડ કરાવી હતી, જેમાં રોકાણ સામે કરોડો રૂપિયાનો નફો થતો હોવાના ખોટા આંકડા દર્શાવવામાં આવતા હતા. ઠગોની આ માયાજાળમાં ફસાઈને પીડિતે પોતાના અસલી નાણાં અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
જ્યારે પીડિતે પોતાની મૂડી અને નફાની રકમ પાછી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને સત્ય બહાર આવતા પીડિતના હોશ ઉડી ગયા હતા. હાલ સાયબર પોલીસ આ કેસમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
