<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

સેન્સર બોર્ડમાં મોટો ડેટા લીક: 500 થી વધુ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને ગુપ્ત દસ્તાવેજો લીક થયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

CBFC ના e-Cinepramaan પોર્ટલમાં સુરક્ષા ક્ષતિ, ઈન્ટરનેટ આર્કાઈવ પર દિવસો સુધી ફાઈલો રહી પબ્લિક, સેન્સર બોર્ડે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી તા.25 : ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં મોટા પાયે ડેટા લીકની ઘટના સામે આવી છે, જેનાથી બોલિવૂડ સહિત સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે.

 CBFC ના ડિજિટલ પોર્ટલ e-Cinepramaan માં સુરક્ષા ક્ષતિને કારણે 500 થી વધુ ફિલ્મોના અરજી સંબંધિત ગુપ્ત દસ્તાવેજો લીક થઈ ગયા છે. આમાં ડઝનેક ફીચર ફિલ્મો પણ સામેલ છે.

લીક થયેલા દસ્તાવેજોમાં ફિલ્મોની સંપૂર્ણ શૂટિંગ સ્ક્રિપ્ટ, સેન્સર બોર્ડના કટ ઓર્ડર, ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ અને લાયસન્સિંગ ફી જેવી કોમર્શિયલ રીતે સંવેદનશીલ માહિતી સામેલ છે. આ ફાઈલો કેટલાક દિવસો સુધી નોન-પ્રોફિટ વેબસાઈટ ઈન્ટરનેટ આર્કાઈવ પર ફ્રીમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ હતી.

રિપોર્ટ મુજબ, આ ફાઈલો આ મહિનાની શરૂઆતમાં અપલોડ કરવામાં આવી હતી અને 12 ઓક્ટોબરના રોજ ડિલીટ કરવામાં આવી છે. અપલોડ કરનાર યુઝરે રશિયન ભાષામાં પૂર્વ CBFC ચેરમેન પ્રસૂન જોશીના નામનો ઉપયોગ કર્યો હતો. આ એકાઉન્ટ હવે ડિલીટ કરી દેવાયું છે. આ રેકોર્ડ ડિસેમ્બર 2025 થી ઓગસ્ટ 2026 વચ્ચેના છે.

જો કે આ લીકમાં ફિલ્મોના વાસ્તવિક વીડિયો ફાઈલો લીક થઈ નથી, પરંતુ અનરિલીઝ્ડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને બિઝનેસ સિક્રેટ લીક થવાથી નિર્માતાઓને મોટું નુકસાન થઈ શકે છે.

CBFC ના ચેરપર્સન શશિ શેખર વેમ્પતિની ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, "અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીની તપાસમાં સર્ટિફિકેશન સંબંધિત દસ્તાવેજો એક્સેસ થયાનો કોઈ પુરાવો મળ્યો નથી." બોર્ડે e-Cinepramaan પોર્ટલનું સંપૂર્ણ સિક્યોરિટી ઓડિટ શરૂ કર્યું છે.

(2:27 PM IST)