તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 8th October 2026
GST કાઉન્સિલની પ૭મી બેઠકમાં મોટો નિર્ણય : જીએસટી કાયદા હેઠળ ધરપકડના અધિકારો નાબૂદ કરાયા : પ્રોસિક્યુશનની મર્યાદા વધારાઈ : પ્રોસેસ રિફોર્મ્સને મંજૂરી
સપ્લાયર ટેક્સ ન ભરે તો પણ ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાનો પ્રસ્તાવ કમિટીને સોંપાયો : રજિસ્ટ્રેશન અને રિફંડની પ્રક્રિયા સરળ બની જ્યારે મોટર વાહનો પર આઈટીસીનો નિર્ણય આગામી બેઠક સુધી મુલતવી રખાયો

ઉત્તર પ્રદેશ: જીએસટી કાઉન્સિલની ૫૭મી બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગજગત માટે અત્યંત મહત્વપૂર્ણ એવા તમામ પ્રોસેસ રિફોર્મ્સને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બેઠક બાદ ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્નાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન અને રિફંડ સંબંધિત તમામ સુધારા પ્રસ્તાવોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ નિર્ણયોથી કરદાતાઓ માટે વેપાર કરવો વધુ સરળ બનશે અને કાયદાકીય જટિલતાઓમાંથી મોટી રાહત મળશે.
સૌથી મોટો અને મહત્વનો નિર્ણય જીએસટી કાયદા હેઠળ અધિકારીઓને આપવામાં આવેલા ધરપકડના અધિકારો પાછા ખેંચવાનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રોસિક્યુશન (કાયદાકીય કાર્યવાહી) માટેની નાણાકીય મર્યાદા પણ વધારવામાં આવી છે. અત્યાર સુધી સેન્ટ્રલ જીએસટી એક્ટ ૨૦૧૭ની કલમ ૬૯ હેઠળ કમિશનર પાસે બોગસ બિલિંગ, ખોટી આઈટીસી ક્રેડિટ કે ટેક્સ ચોરી જેવા કેસોમાં ધરપકડ કરાવવાની સત્તા હતી, જેના કારણે પ્રામાણિક વેપારીઓમાં પણ સતત ભયનો માહોલ રહેતો હતો. આ અધિકાર નાબૂદ થવાથી અને પ્રોસિક્યુશન મર્યાદા વધવાથી નાના-મોટા વેપારીઓને મોટી રાહત મળશે અને માત્ર ગંભીર ગુનાઓમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સપ્લાયર દ્વારા ટેક્સ ન જમા કરાવવાના કિસ્સામાં પણ ખરીદદાર વ્યવસાયોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા દેવાના પ્રસ્તાવને વધુ સમીક્ષા માટે ખાસ કમિટી સમક્ષ મોકલવામાં આવ્યો છે. વર્તમાન નિયમો મુજબ, ખરીદદારે ટેક્સ ચૂકવી દીધો હોય છતાં જો વેચનાર સપ્લાયર સરકારી ખાતામાં ટેક્સ જમા ન કરાવે તો ખરીદદારને આઈટીસી મળતી નથી. વેપારીઓની માંગણી છે કે સપ્લાયરની ભૂલનો દંડ ખરીદદારને ન મળવો જોઈએ, તેથી કમિટીની ભલામણો બાદ આ અંગે આખરી નિર્ણય લેવાશે.
આ બેઠકમાં રજિસ્ટ્રેશન અને રિફંડ મેળવવાની પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સુગમ બનાવવાની મંજૂરી અપાઈ છે. ખાસ કરીને નિકાસકારો અને ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળ કામ કરતા એમએસએમઈ (MSME) એકમો માટે સમયસર રિફંડ મળવાથી તેમની વર્કિંગ કેપિટલ અટવાશે નહીં અને વ્યાજના બોજમાંથી મુક્તિ મળશે. બીજી તરફ, મોટર વાહનો પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) આપવાના પ્રસ્તાવ પર ચર્ચા મુલતવી રાખીને તેને જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પર છોડવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં કરવામાં આવેલા રેટ રેશનાલાઈઝેશન બાદ જીએસટી તંત્રના આ વહીવટી અને પ્રક્રિયાગત સુધારા વેપાર ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
