<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ઉજ્જૈનમાં 'સિંહસ્થ ૨૦૨૮' પૂર્વે મોટો નિર્ણય: રોડ પહોળો કરવા શાહી મસ્જિદનો હિસ્સો તોડી પડાશે, ઈન્દોર હાઈકોર્ટે કમિટીની અપીલ ફગાવી

મધ્ય પ્રદેશ વહીવટીતંત્રને મોટી રાહત: કાંથલ ચોકથી ગોપાલ મંદિર સુધીના માર્ગ મામલે હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો, સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ ઝડપી બનશે.

ઈન્દોર : મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 'સિંહસ્થ ૨૦૨૮' (કુંભમેળા) ની તૈયારીઓ વચ્ચે રોડ વિસ્તરણ પ્રોજેક્ટને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ઉજ્જૈન સ્થિત ઐતિહાસિક શાહી મસ્જિદના રોડમાં આવતા હિસ્સાને તોડી પાડવાના વહીવટીતંત્રના આદેશ સામે મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ઈન્દોર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી છે. કોર્ટે ડિમોલિશન પર રોક લગાવવાની સ્પષ્ટ ના પાડી દેતાં હવે વહીવટીતંત્ર માટે માર્ગ પહોળો કરવાનું કામ આગળ ધપાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

 

અહેવાલો મુજબ, ઉજ્જૈનમાં યોજાનારા મહાકુંભ 'સિંહસ્થ ૨૦૨૮' ની વ્યાપક તૈયારીઓના ભાગરૂપે કાંથલ ચોકથી ગોપાલ મંદિર સુધીના અંદાજે ૯૦૦ મીટર લાંબા વ્યસ્ત માર્ગને ૧૫ મીટર સુધી પહોળો કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ વિસ્તરણના દાયરામાં માર્ગ વચ્ચે આવતાં ૭ જેટલાં ધાર્મિક સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી મોટાભાગના ધાર્મિક સ્થળોના અસરગ્રસ્ત ભાગોને પહેલેથી જ હટાવી દેવાયા છે અને બોહરા સમુદાયની એક મસ્જિદને તો પરસ્પર સહમતિથી અન્ય સ્થળે ખસેડવામાં પણ આવી છે.

 

પરંતુ, શાહી મસ્જિદના રોડમાં આવતા ભાગને હટાવવા માટે જ્યારે વહીવટીતંત્રએ નોટિસ પાઠવી ત્યારે ભારે વિવાદ ઊભો થયો હતો. શાહી મસ્જિદ સમિતિએ આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી, પરંતુ હાઈકોર્ટે વહીવટીતંત્રના આદેશને યોગ્ય ઠેરવીને કમિટીની અરજી રદ કરી દીધી છે. હાઈકોર્ટના આ વલણ બાદ હવે ઉજ્જૈન તંત્ર ટૂંક સમયમાં જ જમીન સંપાદન અને મસ્જિદના બાધક હિસ્સાને દૂર કરી રસ્તો પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

(5:40 PM IST)