તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: બિહાર અને આસામ પછી હવે મહારાષ્ટ્ર પણ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેના પોલીસ કેસ પાછા ખેંચશે; CM ફડણવીસે આપ્યા આદેશ!
સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને CJP ના આંદોલન બાદ રાજ્ય સરકારો એક પછી એક રાહત આપવા મજબૂર: ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા વિદ્યાર્થીઓને મળશે મોટી કાનૂની મુક્તિ

મુંબઈ : NEET પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ સામે તાજેતરમાં યોજાયેલા રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી આંદોલનો સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં એક અતિ મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ પોલીસ કેસ અને કાનૂની ફરિયાદો તુરંત અસરથી પાછી ખેંચી લેવામાં આવે.
આ નિર્ણય સાથે મહારાષ્ટ્ર, આંદોલનકારી વિદ્યાર્થીઓ સામેના કાનૂની કેસો રદ કરનાર દેશનું નવું રાજ્ય બની ગયું છે.
બિહાર અને આસામ સરકારે પણ લીધો હતો સમાન નિર્ણય
CJP (કોકરોચ જનતા પાર્ટી) ના વિરોધ પ્રદર્શન અને ચેતવણી બાદ આસામ અને બિહાર સરકારે પહેલાથી જ વિદ્યાર્થીઓ સામેના તમામ કેસ રદ કરવાની જાહેરાત કરી દીધી હતી:
· આસામ: આસામ સરકારે ૨૬ જુલાઈ સુધી નોંધાયેલા તમામ ૫ કેસ પાછા ખેંચીને ધરપકડ કરાયેલા ૧૩ લોકોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
· બિહાર: બિહારમાં ૨૫ જુલાઈના રોજ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા 'બિહાર બંધ' દરમિયાન અટકાયતમાં લેવાયેલા ૬૯૪ લોકો (જેમાં ૩૩૯ સગીરો હતા) સામેની તમામ એફઆઈઆર (FIR) અને કારણ બતાવો નોટિસો રદ કરીને તેમને નિઃશરત મુક્ત કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ખંડપીઠે મંગળવારે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, જે અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
બેન્ચે પોલીસ બર્બરતા અને અતિરેકના આરોપોની ગંભીર નોંધ લેતા તમામ રાજ્યોને સીસીટીવી ફૂટેજ, વાયરલેસ રેકોર્ડિંગ્સ અને ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાના વચગાળાના નિર્દેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આખી ઘટના અને હિંસાના આરોપોની તપાસ માટે એક સ્વતંત્ર SIT ની રચના પણ થઈ શકે છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
