<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મિઝોરામની ચકમા સ્વાયત્ત જિલ્લા પરિષદનો મોટો નિર્ણય: ૨૦૨૭-૨૮ થી NEP લાગુ થશે, શાળાઓમાં દર બુધવારે મનાવાશે 'મિઝો ભાષા દિવસ'

પ્રાથમિક અને મિડલ શાળાઓમાં સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા કવાયત: દર શુક્રવારે વિદ્યાર્થીઓ માટે ૧૦ મિનિટનું 'આનાપાન' ધ્યાન પણ ફરજિયાત કરાયું.

આઈઝોલ : દક્ષિણ મિઝોરામના લોંગતલાઈ જિલ્લામાં આવેલી ચકમા સ્વાયત્ત જિલ્લા પરિષદ (CADC) એ પોતાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ અને યુગપ્રવર્તક નિર્ણયો લીધા છે. પરિષદના કમલાનગર સ્થિત મુખ્યાલય ખાતે શિક્ષણ વિભાગના પ્રભારી એક્ઝિક્યુટિવ મેમ્બર ડોયમોય ડેવેંગ ચકમાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ૨૦૨૭-૨૮ ના શૈક્ષણિક સત્રથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) લાગુ કરવાની સાથે શાળાઓમાં સાપ્તાહિક 'મિઝો ભાષા દિવસ' (Mizo Speaking Day) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 

વિદ્યાર્થીઓમાં સ્થાનિક મિઝો ભાષાનું જ્ઞાન વધે અને તેઓ તેનો નિયમિત અભ્યાસ કરી શકે તે હેતુથી CADC ના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ પ્રાથમિક અને મિડલ શાળાઓમાં દર બુધવારે 'મિઝો ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવશે. આ સુધારાને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ સતીશ ચકમાના નેતૃત્વ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જે જરૂરી માર્ગદર્શિકા અને કાર્યપદ્ધતિ તૈયાર કરશે.

 

આ ઉપરાંત, બેઠકમાં શિક્ષણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે 'ચકમા સ્વાયત્ત જિલ્લા પરિષદ શિક્ષક બદલી અને નિમણૂક નિયમો, ૨૦૨૬' ના મુસદ્દાને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેની આખરી તપાસ શિક્ષણ અધિકારી પુણ્ય જગત તાલુકદારની સમિતિ કરશે. વિદ્યાર્થીઓમાં માનસિક એકાગ્રતા અને સકારાત્મકતા વધારવાના ઉદ્દેશ્યથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શુક્રવારે ૧૦ મિનિટનું 'આનાપાન' ધ્યાન (મેડિટેશન) કરાવવાનો અને સમગ્ર વિસ્તારમાં વ્યાપક સાક્ષરતા અભિયાન શરૂ કરવાનો પણ સરાહનીય નિર્ણય લેવાયો છે.

(6:54 PM IST)