તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા એથ્લીટ્સની સુરક્ષા માટે મોટો નિર્ણય: સેફગાર્ડિંગ ઓફિસર તરીકે નીતલ નારંગની નિમણૂક!
જાપાનમાં યોજાનારા મહાકુંભમાં માનસિક કે જાતીય સતામણી સામે ખેલાડીઓને મળશે કવચ; ભારત સરકારે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રમાણપત્ર ધરાવતા મહિલા અધિકારીને સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હી : જાપાનમાં આગામી 19મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય રમતવીરો—ખાસ કરીને મહિલા એથ્લીટ્સ—ની સુરક્ષા અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. રમતના મેદાન પર કે બહાર કોઈપણ પ્રકારની માનસિક કે જાતીય સતામણી, અયોગ્ય વર્તન, અપશબ્દો કે ઉપેક્ષા જેવી ગંભીર સમસ્યાઓ રોકવા માટે જાણીતા ખેલ પ્રશાસક નીતલ નારંગની 'સેફગાર્ડિંગ ઓફિસર' (Safeguarding Officer) તરીકે ખાસ નિયુક્તિ કરવામાં આવી છે.
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) ના ફરજિયાત દિશા-નિર્દેશો બાદ ભારતે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં આવા વિશેષ સુરક્ષા અધિકારીની તૈનાતી કરી છે. સોફ્ટબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ નીતલ નારંગ આંતરરાષ્ટ્રીય સ્તરનું સેફગાર્ડિંગ સર્ટિફિકેટ ધરાવે છે. પોતાની ભૂમિકા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "મારું મુખ્ય કામ એથ્લીટ્સને સલામત વાતાવરણ પૂરું પાડવાનું છે. જો કોઈ ખેલાડી ફરિયાદ કરશે, તો તેની તમામ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે."
ભારત આ વખતે એશિયન ગેમ્સ માટે 503 એથ્લીટ્સની વિશાળ ટુકડી જાપાન મોકલી રહ્યું છે, જેમાં 234 મહિલા અને 269 પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 246 સપોર્ટ સ્ટાફમાંથી 56 મહિલાઓ સામેલ છે. નીતલ નારંગ OCA ના મુખ્ય અધિકારીઓ તેમજ ભારતીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, IOA પ્રમુખ પી. ટી. ઉષા અને સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા સાથે સતત સંપર્કમાં રહીને એથ્લીટ્સની સુરક્ષા ચકાસી રહ્યા છે. રમતજગતમાં કોઈપણ પ્રકારના દુર્વ્યવહારને નાથવા માટે આ એક ક્રાંતિકારી આયોજન સાબિત થશે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
