તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય - તમામ શાળાઓમાં 'વંદે માતરમ' ફરજિયાત : સોમવારથી અમલ શરૂ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ આકરા આદેશો : ગેરકાયદે કતલખાના બંધ કરવા, લાઉડસ્પીકર પર નિયંત્રણ અને ૨૦૨૧ની ચૂંટણી હિંસાના કેસો ફરી ખોલવા પોલીસને સૂચના

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી શુભેન્દુ સરકારે સત્તા સંભાળતાની સાથે જ શ્રેણીબદ્ધ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. નબન્ના ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજ્યની તમામ શાળાઓમાં 'વંદે માતરમ' ગાવું ફરજિયાત રહેશે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર નિર્દેશો જાહેર કરી દીધા છે અને આગામી સોમવારથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.
ચૂંટણી હિંસાના કેસોની ફેરતપાસ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ:
મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને વર્ષ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાના કેસોની ફેરતપાસ કરવા આદેશ આપ્યા છે. જે કેસોમાં અગાઉ તપાસમાં ક્ષતિઓ રહી ગઈ હોય અથવા નબળા અહેવાલો રજૂ કરાયા હોય તેની પુનઃ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યમાં ચાલતા ગેરકાયદે પશુ વધ અને ગેરકાયદે કતલખાનાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા જણાવાયું છે. પશુ કતલ નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૪ના કડક અમલ માટે એસ.પી. અને કમિશનરોને વ્યક્તિગત દેખરેખ રાખવા સૂચના અપાઈ છે.
સીમાવર્તી સુરક્ષા અને શસ્ત્રોની જપ્તી માટે ડ્રાઈવ:
સરકારે સરહદી વિસ્તારોમાં તકેદારી વધારવા અને ગુપ્તચર માહિતી શેર કરવા માટે દર મહિને સંકલન બેઠકો યોજવા નિર્દેશ આપ્યો છે. ગેરકાયદેસર શસ્ત્રો અને વિસ્ફોટકોના સંગ્રહને નાબૂદ કરવા માટે ૧૬ મેથી રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ મથકોના માલખાનામાં રહેલા શસ્ત્રોની ૧૫ મે સુધીમાં ભૌતિક ચકાસણી પૂર્ણ કરવા જણાવાયું છે. સી.આઈ.ડી. દ્વારા આ ડ્રાઈવના દૈનિક અહેવાલોનું મોનિટરિંગ કરવામાં આવશે.
લાઉડસ્પીકર અને ટ્રાફિક નિયમોનું કડક પાલન:
ધાર્મિક સ્થળો, કાર્યક્રમો કે સાર્વજનિક મેળાવડાઓમાં હાઈ-વોલ્યુમ લાઉડસ્પીકરના વપરાશ પર હાઈકોર્ટના આદેશ મુજબ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. મંદિરો અને મસ્જિદો સહિત તમામ સ્થળોએ અવાજની મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે હેલ્મેટના ફરજિયાત ઉપયોગ અંગે પણ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવાની તૈયારીઓ પણ સરકારે શરૂ કરી દીધી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
