<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોના પેન્શનમાં જંગી વધારો, હવે દર મહિને મળશે ₹૧,૫૦૦!

ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ: ૧ સપ્ટેમ્બરથી 'DBT' દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે નાણાં, લાખો લાભાર્થીઓને મળશે મોટી આર્થિક રાહત

કોલકાતા : સામાજિક સુરક્ષા ક્ષેત્રે એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેતા પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પેન્શનની રકમમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. નબન્ના (રાજ્ય સચિવાલય) દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નોટિફિકેશન મુજબ, હવે માસિક પેન્શન રૂ. ૧,૦૦૦ થી વધારીને રૂ. ૧,૫૦૦ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યના લાખો જરૂરિયાતમંદ નાગરિકોને દૈનિક જીવનમાં મોટી નાણાકીય રાહત મળશે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને વંચિત વર્ગોને મજબૂત સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જનતાએ જે વિશ્વાસ સાથે સરકાર ચૂંટી છે, તે વિશ્વાસ પર ખરા ઉતરવા માટે આ કલ્યાણકારી આદેશ લાગુ કરવામાં આવ્યો છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી ચૂકવણી

પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP) અને રાજ્ય સરકારની સમાજ કલ્યાણ પેન્શન યોજનાઓ હેઠળના તમામ પાત્ર લાભાર્થીઓને હવેથી દર મહિને રૂ. ૧,૫૦૦ ની નાણાકીય સહાય મળશે.

આ નવો વધારો ઓગસ્ટ ૨૦૨૬ થી અમલમાં આવશે અને ૧ સપ્ટેમ્બરથી સંપૂર્ણ પારદર્શિતા સાથે 'DBT' (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.

તમામ જિલ્લા મશીનરીને ત્વરિત અમલીકરણના આદેશ

આ વધારાનો ખર્ચ ૨૦૨૬-૨૭ ના બજેટમાં પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ ફાળવી દેવામાં આવ્યો છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શન યોજનાઓના લાભાર્થીઓને આ નિર્ણયથી સીધો ફાયદો થશે. રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ એજન્સીને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સમયસર અને સીમલેસ રીતે પેન્શન વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા કડક સૂચના આપવામાં આવી છે.

(7:38 PM IST)