<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ભારત માટે મોટી રાજદ્વારી અને વ્યાપારી જીત : રશિયા સાથે વેપાર કરવા બદલ પ્રતિબંધિત કરાયેલી અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સ સહિત દેશની ચાર કંપનીઓને અમેરિકાએ બ્લેકલિસ્ટમાંથી હટાવી

વોશિંગ્ટન સ્થિત યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મંગળવારે ચારેય ભારતીય કંપનીઓને એસડીએન યાદીમાંથી ડી-લિસ્ટ કરી : રશિયાના સૈન્ય ઔદ્યોગિક એકમોને એડવાન્સ ટેકનોલોજી, રડાર સાધનો અને માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સપ્લાય કરવાના લાગ્યા હતા ગંભીર આક્ષેપો

વોશિંગ્ટન, ૧ જુલાઈ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સાથે વ્યાપારિક સંબંધો ધરાવતી ભારતીય કંપનીઓ પર આકરા પ્રતિબંધો લાદ્યા બાદ હવે અમેરિકાએ એક મોટો અને રાહત આપતો નિર્ણય લીધો છે. વોશિંગ્ટન તરફથી સત્તાવાર જાહેરાત કરીને ભારતની ચાર પ્રતિષ્ઠિત કંપનીઓને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની યાદીમાંથી સંપૂર્ણપણે મુક્ત (ડી-લિસ્ટ) કરી દેવામાં આવી છે. આ ચારેય ભારતીય કંપનીઓ પર ભૂતકાળમાં રશિયાના મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ બેઝ એટલે કે સૈન્ય ઔદ્યોગિક ક્ષેત્ર માટે અત્યાધુનિક ટેકનોલોજી અને સંરક્ષણ સાધનો સપ્લાય કરવાનો ગંભીર આરોપ મૂકીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.

 

અમેરિકાના નાણા વિભાગ (OFAC) દ્વારા સત્તાવાર યાદી બહાર પડાઈ:

 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી (અમેરિકી નાણા વિભાગ) દ્વારા મંગળવારે શેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, આ ચાર ભારતીય કંપનીઓને ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) ની 'સ્પેશિયલી ડેઝિગ્નેટેડ નેશનલ્સ એન્ડ બ્લોક્ડ પર્સન્સ' (SDN) ની યાદીમાંથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવી છે. અમેરિકાના આ આકરા આર્થિક પ્રતિબંધોની યાદીમાંથી મુક્તિ મળતા જ વ્યાપારી વર્તુળોમાં ભારે હરખની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી અને રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.

 

અમદાવાદ અને હૈદરાબાદ સહિતના ચાર મોટા એકમોને મળી મુક્તિ:

 

અમેરિકા દ્વારા જે ચાર ભારતીય કંપનીઓ પરથી પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, તેમાં ગુજરાતના ઉદ્યોગ જગત સાથે જોડાયેલી અમદાવાદ બેઝ્ડ કંપની ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ત્રણ કંપનીઓમાં હૈદરાબાદ ખાતે આવેલી આરઆરજી એન્જિનિયરિંગ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને લોકેશ મશીન્સ લિમિટેડ તેમજ નવી દિલ્હી સ્થિત શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જિનિયરિંગ અને હાઈ-ટેક સાધનોના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી છે.

 

કઈ કંપની પર શું આક્ષેપો મૂકીને પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા?

 

અમેરિકાએ ઓક્ટોબર ૨૦૨૪માં અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ પર પ્રતિબંધો લાદ્યા હતા. કંપની પર આરોપ હતો કે તેણે રશિયન સંસ્થાઓને રોલર બેરિંગ્સ અને રોલર એસેમ્બલી સહિતના ડઝનબંધ ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા દ્વિ-ઉપયોગી (ડ્યુઅલ-યુઝ) સાધનોની મોટા પાયે નિકાસ કરી હતી. તેવી જ રીતે, નવી દિલ્હીની શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ પર રશિયાને રડાર ઉપકરણો, રેડિયો નેવિગેશનલ એઇડ સાધનો, રેડિયો રિમોટ કંટ્રોલ ઉપકરણો અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ મોકલવાનો આરોપ હતો.

 

આ ઉપરાંત, હૈદરાબાદની આરઆરજી એન્જિનિયરિંગ ટેકનોલોજીસ પર અમેરિકા દ્વારા પ્રતિબંધિત રશિયા સ્થિત આર્ટેક્સ લિમિટેડ કંપનીને ૧૦૦ થી વધુ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ શિપમેન્ટ મોકલવાનો આક્ષેપ હતો, જ્યારે લોકેશ મશીન્સ લિમિટેડ પર વિવિધ રશિયન ઉત્પાદક કંપનીઓને ડઝનબંધ મશીન ટૂલ્સ સપ્લાય કરવાનો ગુનો નોંધાયો હતો. જોકે, હવે અમેરિકી વહીવટી તંત્ર દ્વારા આ તમામ કંપનીઓને ક્લીનચીટ આપીને પ્રતિબંધોની યાદીમાંથી બહાર કરી દેવાતા તેઓ વૈશ્વિક સ્તરે ફરી પોતાનો મુક્ત વેપાર શરૂ કરી શકશે.

(1:35 PM IST)