તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ
તહેવારોની મોસમમાં દેશના એક કરોડથી વધુ કર્મચારીઓને મળશે લાભ : જુલાઈથી લાગુ થનાર આ વધારાથી માસિક પગાર અને પેન્શનમાં થશે સીધો વધારો

નવી દિલ્હી : દિવાળીના તહેવાર પૂર્વે મોદી કેન્દ્ર સરકારે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશીનો મોટો ધડાકો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં ૩ ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે, જેના કારણે હવે કુલ મોંઘવારી ભથ્થું ૬૦ ટકાથી વધીને ૬૩ ટકા થઈ ગયું છે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૧૦,૦૧૬ કરોડનો નાણાકીય બોજ પડશે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ માટે રૂ. ૧૦,૦૦૦ કરોડ, પ્રધાન મંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના માટે રૂ. ૭,૩૯૫ કરોડ અને ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે રૂ. ૧,૮૫૬ કરોડ સહિત કુલ રૂ. ૨૯,૨૬૭ કરોડના પ્રસ્તાવો પર મહોર મારવામાં આવી છે.
પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો?
મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારાથી કર્મચારીઓની ટેક-હોમ સેલરી અને પેન્શનર્સની માસિક આવકમાં મોટો ઉછાળો આવશે:
* રૂ. ૧૮,૦૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૧): અગાઉ ૬૦ ટકા લેખે રૂ. ૧૦,૮૦૦ મળતા હતા, જે હવે ૬૩ ટકા લેખે રૂ. ૧૧,૩૪૦ મળશે. જેથી દર મહિને રૂ. ૫૪૦ અને વાર્ષિક રૂ. ૬,૪૮૦ નો સીધો ફાયદો થશે.
* રૂ. ૨૧,૭૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૩): માસિક રૂ. ૬૫૧ અને વાર્ષિક રૂ. ૭,૮૧૨ નો વધારો થશે.
* રૂ. ૨૫,૫૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૪): માસિક રૂ. ૭૬૫ અને વાર્ષિક રૂ. ૯,૧૮૦ નો ફાયદો થશે.
* રૂ. ૩૫,૪૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૬): માસિક રૂ. ૧,૦૬૨ અને વાર્ષિક રૂ. ૧૨,૭૪૪ વધશે.
* રૂ. ૪૪,૯૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૭): માસિક રૂ. ૧,૩૪૭ અને વાર્ષિક રૂ. ૧૬,૧૬૪ નો લાભ મળશે.
* રૂ. ૫૬,૧૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૧૦): અગાઉ મળતા રૂ. ૩૩,૬૬૦ ના બદલે હવે રૂ. ૩૫,૩૪૩ મળશે, એટલે કે માસિક રૂ. ૧,૬૮૩ અને વાર્ષિક રૂ. ૨૦,૧૯૬ નો ફાયદો થશે.
* રૂ. ૧,૨૩,૧૦૦ ની બેઝિક સેલરી પર (લેવલ ૧૩): માસિક રૂ. ૩,૬૯૩ નો વધારો થશે.
ક્યારથી મળશે લાભ અને એરિયર?
આ વધારો નિયમાનુસાર ૧ જુલાઈથી લાગુ ગણવામાં આવશે. સરકાર દ્વારા સત્તાવાર અધિસૂચના જારી થયા બાદ કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર (બાકી રકમ) ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. દિવાળી પહેલા હાથમાં મોટું એરિયર અને વધેલા પગારના આગમનથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ બજારમાં પણ ખરીદીને વેગ મળશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
