<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

કર્ણાટકના રાજકારણમાં મોટો ભૂકંપ: કોંગ્રેસના કદાવર ધારાસભ્ય ઝમીર અહેમદ ખાન વિરુદ્ધ ₹૨૫ કરોડનો કેસ ચલાવવા લોકાયુક્તે રાજ્યપાલ પાસે માંગી મંજૂરી!

સીએમ સિદ્ધારમૈયાના નજીકના સહયોગી અને પૂર્વ મંત્રી કાયદાના સિકંજામાં; હજારો પાનાના દસ્તાવેજો સાથે લોકાયુક્ત તૈયાર, ઈડી (ED) ના દરોડા અને પોન્ઝી સ્કેમ સાથે જોડાયેલા છે કાળા તાર

બેંગલુરુ : કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ મંત્રી અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અત્યંત નજીકના સાથી ગણાતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય બી. ઝેડ. ઝમીર અહેમદ ખાન મુશ્કેલીઓમાં ઘેરાયા છે. લોકાયુક્ત દ્વારા તેમની વિરુદ્ધ કરોડો રૂપિયાના અપ્રમાણસર સંપત્તિ (Disproportionate Assets) ના કેસમાં કાયદેસરનો ખટલો ચલાવવા માટે રાજ્યપાલની સત્તાવાર સંમતિ માંગવામાં આવી છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

લોકાયુક્તે રાજ્યપાલ સમક્ષ હજારો પાનાના પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. લોકાયુક્તના અહેવાલ મુજબ, તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે ધારાસભ્ય ઝમીર અહેમદ ખાન પાસે તેમની વાસ્તવિક આવકના કાયદેસરના સ્ત્રોતો કરતાં આશરે ₹૨૫ કરોડથી વધુની અનામી અપ્રમાણસર સંપત્તિ છે. રાજ્યપાલ તરફથી લીલી ઝંડી મળતાની સાથે જ લોકાયુક્ત દ્વારા કોર્ટમાં આખરી ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરીને તેમની ધરપકડ સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે.

૨૦૧૮ ના ઈડી (ED) ના દરોડા અને પોન્ઝી સ્કેમનું કનેક્શન

આ સમગ્ર વિવાદના તાર વર્ષ ૨૦૧૮ ની સાલ સાથે જોડાયેલા છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તત્કાલીન વક્ફ મંત્રી ઝમીર અહેમદ ખાનના નિવાસસ્થાને આક્રમક દરોડા પાડ્યા હતા. તે સમયે ED મોહમ્મદ મન્સૂર ખાન નામના શખ્સ દ્વારા 'ઇસ્લામિક બેંકિંગ' ના નામે ચલાવવામાં આવતી કરોડો રૂપિયાની કુખ્યાત પોન્ઝી સ્કેમ ‘આઈ મોનેટરી એડવાઇઝરી’ (IMA) ની ઊંડી તપાસ કરી રહી હતી. આ તપાસ દરમિયાન ED ને સીધા પુરાવા મળ્યા હતા કે ઝમીરે મુખ્ય આરોપી મન્સૂર ખાન સાથે કરોડો રૂપિયાના અનેક શંકાસ્પદ આર્થિક વ્યવહારો કર્યા હતા અને તેમની સંપત્તિ કાયદેસરની આવક કરતા અનેક ગણી વધારે હતી.

ત્યારબાદ ED એ તત્કાલીન કર્ણાટક એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને આ મામલે તપાસ સોંપી હતી. બાદમાં હાઈકોર્ટના આદેશથી ACB બંધ થતાં આ હાઈપ્રોફાઈલ કેસ લોકાયુક્તને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય બન્યા પછી વૈભવી બંગલો, વિદેશ પ્રવાસો અને કરોડોના લગ્ન

લોકાયુક્તની તપાસમાં ખૂલેલા ચોંકાવનારા રહસ્યો:

· શરૂઆતની સંપત્તિ: ઝમીર અહેમદ ખાન જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારે તેમની પાસે સદાશિવનગરમાં માત્ર એક ફ્લેટ, મૈસુરુમાં એક પ્લોટ અને બેંક ખાતામાં માંડ થોડા લાખ રૂપિયા જ જમા હતા.

· અચાનક ધનવર્ષા: ધારાસભ્ય અને મંત્રી બન્યા બાદ તેમણે બેંગલુરુના શિવાજીનગરમાં ₹૨૦ કરોડથી વધુનો આલીશાન વૈભવી બંગલો બનાવી નાખ્યો. આ ઉપરાંત, તેમણે પોતાની પુત્રીના લગ્ન પાછળ પણ પાણીની જેમ કરોડો રૂપિયા આંધ્યા હતા.

· શંકાસ્પદ લોન: તપાસથી બચવા માટે ઝમીરે દાવો કર્યો હતો કે તેમણે પૂર્વ અભિનેત્રી રાધિકા કુમારસ્વામી, પૂર્વ મંત્રી દિનેશ ગુંડુરાવ અને અન્ય નેતાઓ પાસેથી કરોડો રૂપિયાની 'હેન્ડ લોન' (મિત્રતાના દાવે લોન) લીધી હતી. પરંતુ લોકાયુક્તને આ નાણાં ક્યારેય પરત કર્યા હોવાનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ મળ્યો નથી.

લોકાયુક્તે ઝમીરના તમામ વ્યાપારિક ભાગીદારો, નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની કલાકો સુધી આકરી પૂછપરછ કરી આ કાળી કમાણીનો રિપોર્ટ તૈયાર કર્યો છે. હવે આખો મામલો રાજ્યપાલના દરબારમાં છે, અને જો મંજૂરી મળશે તો કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવી શકે છે.

 

(7:56 PM IST)