<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વિપક્ષી ગઠબંધનમાં મોટો ભૂકંપ: પ્રાદેશિક પક્ષોના પતન વચ્ચે શું કોંગ્રેસ માટે સોનેરી યુગ પાછો આવી રહ્યો છે?

પશ્ચિમ બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો: તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિનો દબદબો હલ્યો અને બિહારમાં આરજેડી બેકફૂટ પર : જાણો કેવી રીતે પ્રાદેશિક પક્ષોની નબળાઈ જૂની કોંગ્રેસને નવું જીવન આપી શકે છે.

નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં સત્તાનું સંતુલન હવે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને વિપક્ષી મોરચે અણધાર્યો વળાંક જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કૌભાંડો અને એન્ટી-ઇન્કમ્બન્સીના કારણે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ  સત્તા ગુમાવી ચૂકી છે, તો બીજી તરફ તમિલનાડુમાં અભિનેતા વિજયની નવી પાર્ટી 'ટીવીકે' ના તોફાની ઉદયથી એમ. કે. સ્ટાલિનની ડીએમકે પરાજિત થઈને બીજા નંબરે ધકેલાઈ ગઈ છે. બિહારમાં પણ તેજસ્વી યાદવની આરજેડી  ભાજપ અને જેડીયુના ગઠબંધન સામે નબળી પડીને વિપક્ષનું સ્થાન મજબૂતીથી જાળવી રાખવા પણ સંઘર્ષ કરી રહી છે. આ એ જ પ્રાદેશિક પક્ષો હતા જેમણે એક સમયે દેશભરમાં કોંગ્રેસના પરંપરાગત વોટ બેંક પર કબજો કરીને કોંગ્રેસને હાસિયામાં ધકેલી દીધી હતી, પરંતુ આજે જ્યારે તેમનો પોતાનો જ પાયો હલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડમાં છૂપો આનંદ અને સત્તામાં પુનરાગમનની મોટી આશા દેખાઈ રહી છે.

"સમય કોઈનો નથી હોતો" એ કહેવત આજે પ્રાદેશિક પક્ષોના દિગ્ગજો પર બરાબર સાબિત થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ૨૦ થી ૨૫ ટકા વોટ શેર ધરાવતી કોંગ્રેસને ૨૦૨૧ની ચૂંટણી સુધીમાં માત્ર ૨.૯૪ ટકા પર લાવી દેનાર મમતા બેનર્જી આજે ખુદ રાજકીય અસ્તિત્વ બચાવવા માટે દબાણમાં છે, અને રાજકીય વર્તુળોમાં તો સોનિયા ગાંધી તરફથી તેમને વિલયની ઓફર મળી હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. આવી જ સ્થિતિ તમિલનાડુમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ૧૯૬૭ પછી કોંગ્રેસને ક્યારેય પોતાના દમ પર ઉભા થવા ન દેનાર ડીએમકે ખુદ નવા ખેલાડી વિજય સામે ઘૂંટણિયે પડી ગઈ છે. આ તકનો લાભ લઈને કોંગ્રેસે તાત્કાલિક દ્રવિડિયન પક્ષ સાથેના જૂના સંબંધો તોડીને દક્ષિણ ભારતમાં પોતાના દમ પર સંગઠન બેઠું કરવાની લાંબા ગાળાની વ્યુહરચના શરૂ કરી દીધી છે.

બિહારની વાત કરીએ તો, મંડલ રાજકારણના ઉદય પછી લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમ-દલિત-ઓબીસી સામાજિક આધાર છીનવીને કોંગ્રેસનો ૩૪ ટકા વોટ શેર સમેટી લીધો હતો. આજે તેમના વારસદાર તેજસ્વી યાદવ પણ ભાજપના વધતા પ્રભાવ સામે વિધાનસભામાં જરૂરી વિપક્ષી બેઠકો મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. આ તમામ રાજકીય ઘટનાક્રમો સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રાદેશિક પક્ષોની કમજોરી એ કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સ્તરે એન્ટી-બીજેપી (સરકાર વિરોધી) મતોના એકમાત્ર કેન્દ્રબિંદુ બનવાની સુવર્ણ તક છે. જે પક્ષોએ કોંગ્રેસની જ જમીન પર પોતાના બીજ વાવીને દાયકાઓ સુધી સત્તાના ફળો ભોગવ્યા, તેમનું નબળું પડવું એ જૂની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી માટે દેશભરમાં પોતાના મૂળિયાં ફરીથી મજબૂત કરવાનો સચોટ સમય માનવામાં આવી રહ્યો છે.

(9:37 AM IST)