<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

દુર્ગાપૂજા પહેલાં તૃણમૂલમાં મોટો વિસ્ફોટ: NCPIના 17 બળવાખોર સાંસદો ભાજપમાં જોડાશે, જગદીશ બરમાનો ધમાકેદાર દાવો

પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા તમામ ૧૭ સાંસદો એકસાથે ભાજપનો કેસરીયો ધારણ કરશે; ૩ મુસ્લિમ સાંસદો બહારથી સમર્થન આપશે

 

નવી દિલ્હી, તા.૧૪: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દુર્ગાપૂજાના તહેવારો પહેલાં જ ભારે રાજકીય ભૂકંપ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી બળવો કરીને અલગ થયેલા કૂચબિહારના સાંસદ જગદીશ ચંદ્ર બરમા બસુનિયાએ એક સળગતો દાવો કરતા જણાવ્યું છે કે, નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ના ૨૦ માંથી ૧૭ સાંસદો ઓક્ટોબરમાં દુર્ગાપૂજા પહેલાં અથવા તરત જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિધિવત રીતે જોડાઈ જશે.

 

આગામી રાજકીય ગણિત સમજાવતા સાંસદ બસુનિયાએ ઉમેર્યું હતું કે, પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) હેઠળ સાંસદ પદ રદ ન થાય તે માટે તમામ ૧૭ સાંસદો એકસાથે જ ભાજપમાં સામેલ થશે. નિયમ મુજબ, જો કોઈ પક્ષના બે-તૃતીયાંશ (૨/૩)થી વધુ સાંસદો અન્ય પક્ષમાં ભળે તો તેમના પર પક્ષપલટાનો કાયદો લાગુ પડતો નથી. ૨૦ સાંસદો ધરાવતા NCPI જૂથ માટે કાયદાકીય રીતે ૧૪ સાંસદોનું સમર્થન જરૂરી છે, જ્યારે અહીં ૧૭ સાંસદો એકસાથે કેસરીયો ધારણ કરવા જઈ રહ્યા છે.

 

જ્યારે બાકીના ૩ સાંસદો અંગે સ્પષ્ટતા કરતા બસુનિયાએ જણાવ્યું કે, અલ્પસંખ્યક સમુદાયમાંથી આવતા ત્રણ સાંસદો - અબુ તાહેર ખાન, ખલીલુર રહમાન અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ તેમના વિસ્તારોના રાજકીય અને વહીવટી સમીકરણોને કારણે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે નહીં. પરંતુ તેઓ NDA સરકારને બહારથી પૂર્ણ સમર્થન આપશે અને તેમને સરકારમાં કોઈ મોટી જવાબદારી કે પોર્ટફોલિયો આપવામાં આવી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે, બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલના પરાજય બાદ કાકોલી ઘોષ દસ્તિકારના નેતૃત્વમાં ૨૦ બળવાખોર સાંસદોએ અલગ થઈને 'NCPI' નામના નવા પક્ષની રચના કરી હતી. તાજેતરમાં જ કૂચબિહારના સીતાઈ સ્થિત પોતાના વતન પરતે ફરેલા બસુનિયા અને તેમના પત્ની (TMC વિધાયક સંગીતા રોય)નો સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાજકીય તણાવ વચ્ચે બસુનિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ TMC સાથે તમામ સંબંધો તોડી ચૂક્યા છે અને હવે પૂર્ણપણે NDAના સમર્થનમાં છે.

 

(4:25 PM IST)