News of Monday, 14th September 2026
દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં મોટું ગાબડું: ઈમિગ્રેશન તપાસ વગર જ ૩ ઈટાલિયન મુસાફરો ફ્લાઈટમાં બેસી મ્યુનિક પહોંચી ગયા; એર ઈન્ડિયાને શો-કોઝ નોટિસ
અમૃતસરથી દિલ્હી થઈ જતી ફ્લાઈટમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ના ધજાગરા; નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૭ દિવસમાં એરલાઈન પાસે માંગ્યો ખુલાસો

નવી દિલ્હી : પાટનગર દિલ્હીના અત્યંત સંવેદનશીલ અને હાઇટેક ગણાતા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી સિક્યોરિટી અને ઈમિગ્રેશન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્રણ ઈટાલિયન નાગરિકો ભારતમાંથી બહાર નીકળતી વખતે જરૂરી કોઈ પણ ઈમિગ્રેશન તપાસ કરાવ્યા વગર જ એરપોર્ટ પરથી વિદેશ રવાના થઈ ગયા હતા. તેઓ દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટમાં સવાર થઈને પોતાના દેશ પહોંચી ગયા હોવાનું બહાર આવતાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાને કારણ દર્શાવો નોટિસ ફટકારી ૭ દિવસમાં જવાબ તલબ કર્યો છે.
આ આખી ઘટના ૩ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે બની હતી. આ ત્રણેય ઈટાલિયન મુસાફરો અમૃતસરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-1115) મારફતે મધ્યરાત્રિએ ૧૨:૫૦ વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પરથી તેમણે માત્ર એક કલાકના સમયગાળામાં ૧:૪૫ વાગ્યે લુફ્થાન્સાની ફ્લાઈટ (LH-763) પકડીને મ્યુનિક માટે ઉડાન ભરી લીધી હતી. જોકે, ભારત છોડતા પહેલા કાયદાકીય રીતે થતી ફરજિયાત ઈમિગ્રેશન તપાસમાંથી તેઓ પસાર જ થયા નહોતા.
SOP નો ભંગ અને ગંભીર ગેરરીતિ
તપાસમાં બહાર આવ્યું છે કે અમૃતસર ખાતેથી જ આ મુસાફરોને દિલ્હી સુધીનો ડોમેસ્ટિક (D) બોર્ડિંગ પાસ આપવા ઉપરાંત મ્યુનિક સુધીનો આગળનો લુફ્થાન્સા ફ્લાઈટનો બોર્ડિંગ પાસ પણ ઈશ્યૂ કરી દેવાયો હતો, જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ના નિયમો વિરુદ્ધ છે. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને ઈમિગ્રેશન એરિયામાં લઈ જવાના બદલે ગેરસમજથી 'ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર' વિસ્તાર મારફતે સીધા ડિપાર્ચર ગેટ પર પહોંચાડી દેવામાં આવ્યા હતા, જેથી ઈમિગ્રેશન કાઉન્ટર બાયપાસ થઈ ગયું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાની SOP ના પાંચ મુખ્ય નિયમોના ઉલ્લંઘન બદલ ભારે નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે પ્રશ્ન ઉઠાવ્યો છે કે D બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો ઈન્ટરનેશનલ ઝોનમાં પહોંચ્યા કેવી રીતે અને ઘટના સમયે મોનિટરિંગ ટીમ કે નોડલ અધિકારીઓ ક્યાં હતા? જો એરલાઈન ૭ દિવસમાં સંતોષકારક જવાબ નહીં આપે તો તેની સામે કડક નિયમનકારી કાર્યવાહી કરવામાં આવશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
