તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 6th July 2026
કીવની હવાઈ સુરક્ષામાં મોટું ગાબડું: રશિયન બેલિસ્ટિક મિસાઇલ સામે યુક્રેન લાચાર
મોસ્કો: રશિયાના તાજા ભયાનક મિસાઇલ અને ડ્રોન હુમલાએ યુક્રેનની હવાઈ સુરક્ષાની ગંભીર કમજોરી ખુલ્લી પાડી છે. યુક્રેને ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનનો મોટો ભાગ અટકાવ્યો, પરંતુ બેલિસ્ટિક અને ઝિરકોન-ઓનિક્સ પ્રકારના એક પણ મિસાઇલને રોકી શક્યું નહીં. પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરની અછતને મુખ્ય કારણ ગણાવી કીવએ પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક મદદ માગી છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં કીવની હવાઈ સુરક્ષા માટે ગંભીર ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. રશિયાએ પાંચ જુલાઈની રાતથી છ જુલાઈની વહેલી સવાર દરમિયાન યુક્રેન ઉપર વિશાળ સંયુક્ત હુમલો કર્યો હતો. યુક્રેનિયન હવાઈ દળના આંકડાઓ મુજબ રશિયાએ કુલ ૪૧૯ હવાઈ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, જેમાં ૬૮ મિસાઇલ અને ૩૫૧ ડ્રોનનો સમાવેશ થાય છે.
આ હુમલામાં ૨૩ ઇસ્કાન્ડર-એમ અને એસ-૪૦૦ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલ, ૬ ઝિરકોન-ઓનિક્સ પ્રકારની અતિઝડપી એન્ટી-શિપ મિસાઇલ, ૩૩ ખે-૧૦૧ ક્રૂઝ મિસાઇલ, ૬ કેલિબર ક્રૂઝ મિસાઇલ અને શાહેદ સહિતના વિવિધ હુમલાખોર તથા ડિકોય ડ્રોન સામેલ હતા. યુક્રેનની હવાઈ સુરક્ષા વ્યવસ્થાએ ૩૨૬ ડ્રોન અને ૩૭ ક્રૂઝ મિસાઇલને નષ્ટ અથવા નિષ્ક્રિય કરવામાં સફળતા મેળવી હતી. તેમાં ૩૧ ખે-૧૦૧ અને તમામ ૬ કેલિબર મિસાઇલનો સમાવેશ થાય છે.
પરંતુ સૌથી ગંભીર બાબત એ રહી કે બેલિસ્ટિક અને ઝિરકોન-ઓનિક્સ પ્રકારના એક પણ મિસાઇલને યુક્રેન અટકાવી શક્યું નહીં. યુક્રેનિયન સત્તાવાર આંકડાઓ મુજબ ૨૯ બેલિસ્ટિક અને એન્ટી-શિપ પ્રકારના મિસાઇલ તથા ૧૮ હુમલાખોર ડ્રોન ૩૪ સ્થળોએ અસરકારક રીતે ઝીંકાયા હતા. ડ્રોન અને મિસાઇલના કાટમાળ ૧૬ સ્થળોએ પડ્યા હતા.
તાજા અહેવાલો પ્રમાણે કીવ અને આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. કીવમાં રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું છે અને બચાવ ટુકડીઓ ધ્વસ્ત ઇમારતોના કાટમાળમાંથી લોકોને શોધવાની કામગીરીમાં લાગી છે. અગાઉ બે જુલાઈના હુમલામાં પણ કીવમાં ૩૧ લોકોનાં મોત થયા હતા, જેને આ વર્ષનો સૌથી ઘાતક હુમલો ગણાયો હતો.
યુક્રેનિયન હવાઈ દળના પ્રવક્તા યુરિ ઇહનાતે સ્વીકાર્યું છે કે બેલિસ્ટિક મિસાઇલ રોકવા માટે ખાસ ઇન્ટરસેપ્ટર જરૂરી છે અને હાલ યુક્રેન તથા વિશ્વસ્તરે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરની ગંભીર અછત છે. તેમના જણાવ્યા મુજબ રશિયા આ અછતનો સીધો લાભ લઈ વધુ બેલિસ્ટિક હુમલાઓ ઉપર ભાર મૂકી રહ્યું છે.
રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા અને યુરોપને વધુ પેટ્રિયટ મિસાઇલ, ઇન્ટરસેપ્ટર અને હવાઈ સુરક્ષા સહાય ઝડપથી આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે પેટ્રિયટ મિસાઇલ સાથી દેશોના ભંડારમાં પડેલી રહેશે ત્યાં સુધી રશિયાને રહેણાંક ઇમારતો અને નાગરિક વિસ્તારો ઉપર હુમલા કરવાની હિંમત મળતી રહેશે.
- મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને અન્ય મોરચાઓ ઉપર અમેરિકી હવાઈ સુરક્ષા સાધનોની માંગ વધતા પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરના વૈશ્વિક પુરવઠા ઉપર દબાણ વધી ગયું છે. રશિયા હવે યુક્રેનની આ કમજોરી ઓળખીને ક્રૂઝ મિસાઇલ કરતાં વધુ બેલિસ્ટિક અને અતિઝડપી મિસાઇલ હુમલાની વ્યૂહરચના અપનાવતું હોવાનું પશ્ચિમી સુરક્ષા વર્તુળોમાં માનવામાં આવે છે.
નાટો સમિટ પહેલાં થયેલા આ હુમલાએ યુક્રેન માટે હવાઈ સુરક્ષા સહાયને ફરી કેન્દ્રસ્થાને લાવી દીધી છે. કીવનો દાવો છે કે જો તાત્કાલિક ઇન્ટરસેપ્ટર પુરવઠો નહીં મળે તો રશિયા કીવ સહિત મોટા શહેરો અને મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ વિનાશક બેલિસ્ટિક હુમલાઓ કરી શકે છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
