તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 26th April 2026
નક્સલવાદના ગઢમાં મોટું ગાબડું: ૪ AK-૪૭ સહિત ઘાતક હથિયારો સાથે ૪૭ નક્સલીઓનું આત્મસમર્પણ
તેલંગાણા સરકારની પુનર્વસન નીતિ અને મુખ્યમંત્રીની અપીલ રંગ લાવી: અમેરિકા અને ઈઝરાયલ નિર્મિત હથિયારો જોઈ પોલીસ પણ ચોંકી, દક્ષિણ બસ્તરના પ્રભારી સહિત આખું યુનિટ મુખ્ય પ્રવાહમાં ભળતા માઓવાદી સંગઠનને જોરદાર ફટકો

હૈદરાબાદ: દેશમાં નક્સલવાદ વિરોધી અભિયાનમાં તેલંગાણા પોલીસને એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. સીપીઆઈ (માઓવાદી) સંગઠનના ૪૭ જેટલા ભૂગર્ભ સભ્યોએ હિંસાનો માર્ગ ત્યાગીને શનિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણ કરનારાઓમાં દક્ષિણ બસ્તર વિભાગીય સમિતિના પ્રભારી અને હાઈ-પ્રોફાઈલ નેતા હેમાલા ઇયાથુ ઉર્ફે વિજયાનો પણ સમાવેશ થાય છે. તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) બી. શિવધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારવાની સાથે ૩૨ જેટલા અત્યાધુનિક હથિયારો પણ પોલીસને સોંપ્યા છે, જે દર્શાવે છે કે નક્સલી કેડર હવે આંતરિક રીતે નબળી પડી રહી છે અને લોકશાહીના મુખ્ય પ્રવાહમાં જોડાવા આતુર છે.
જપ્ત કરવામાં આવેલા શસ્ત્રોના ભંડારમાં ૪ AK-૪૭ રાઈફલ, એક લાઇટ મશીનગન (LMG), ત્રણ SLR રાઈફલ અને અંદાજે ૧૦૦ કિલો જેટલો વિસ્ફોટક કોર્ડટેક્સ વાયર સામેલ છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે નક્સલીઓ પાસેથી અમેરિકા અને ઈઝરાયલ નિર્મિત હથિયારો પણ મળી આવ્યા છે, જેની તપાસ હાલમાં ઉચ્ચ સ્તરે ચાલી રહી છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરના શસ્ત્રો તેમના સુધી કેવી રીતે પહોંચ્યા. DGPએ વધુમાં ઉમેર્યું હતું કે માર્ચ ૨૦૨૪ થી અત્યાર સુધીમાં કુલ ૮૧૮ માઓવાદીઓએ શસ્ત્રો નીચે મૂક્યા છે. તેલંગાણાને પહેલેથી જ માઓવાદી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ ઓપરેશનથી પાડોશી રાજ્ય છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ સંગઠનનું અસ્તિત્વ હવે જોખમમાં મુકાયું છે.
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની કલ્યાણકારી નીતિઓથી પ્રભાવિત થઈને આ ૪૭ નક્સલીઓ, જેઓ મૂળ છત્તીસગઢના છે, તેઓએ હિંસા છોડવાનો નિર્ણય લીધો છે. પોલીસ રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૩માં તેલંગાણાના ૧૨૫ સક્રિય કેડર રાજ્યની બહાર સંગઠનમાં હતા, જે સંખ્યા હવે ઘટીને માત્ર ચાર પર આવી ગઈ છે. સંગઠનની પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન પણ હવે લગભગ વિખેરાઈ ગઈ છે. સરકારે બાકી રહેલા ચાર ટોચના નેતાઓને પણ શસ્ત્રો મૂકી દેવા અપીલ કરી છે. આ આત્મસમર્પણથી માત્ર તેલંગાણા જ નહીં પરંતુ સમગ્ર મધ્ય ભારતમાં નક્સલવાદી ગતિવિધિઓ પર લગામ લાગશે તેવી આશા સેવાઈ રહી છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
