તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
કેનેડા જવા ઇચ્છતા ભારતીયો માટે મોટા અને ખુશખબર: સુપર વિઝાના પ્રોસેસિંગ સમયમાં ભારે ઘટાડો, હવે માત્ર ૫૦ દિવસમાં મળશે મંજૂરી!
IRCCના નવા સાપ્તાહિક અપડેટથી વાલીઓને મોટી રાહત, પરંતુ કેનેડા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ માટે હજુ જોવી પડશે વધુ રાહ

નવી દિલ્હી, તા.૦૩: કેનેડા જવાનું સપનું જોતા ભારતીયો માટે ઇમિગ્રેશન વિભાગ તરફથી ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સાપ્તાહિક અપડેટ મુજબ, ભારતીય નાગરિકો માટે 'સુપર વિઝા' (માતા-પિતા અને દાદા-દાદી માટેના ખાસ વિઝા) ના પ્રોસેસિંગ સમયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારતમાંથી સુપર વિઝા માટે અરજી કરનારાઓનો અંદાજિત રાહ જોવાનો સમય ૬૬ દિવસથી સીધો ઘટીને હવે માત્ર ૫૦ દિવસ થઈ ગયો છે. એટલે કે અરજદારોના આખા ૧૬ દિવસ બચશે.
આ આંકડો કેનેડા સરકારના સત્તાવાર સેવા ધોરણ (૧૧૨ દિવસ) કરતાં પણ ઘણો ઓછો છે. રસપ્રદ વાત એ છે કે જ્યાં આ અપડેટમાં ભારતીયોને ફાયદો થયો છે, ત્યાં અમેરિકાથી અરજી કરનારા લોકો માટે સુપર વિઝાનો પ્રોસેસિંગ સમય ત્રણ અઠવાડિયા જેટલો વધી ગયો છે. આ ફેરફારથી કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો હવે તેમના માતા-પિતા કે દાદા-દાદીને ખૂબ જ ઝડપથી પોતાની પાસે બોલાવી શકશે.
વિઝિટર વિઝા અને વર્ક પરમિટની સ્થિતિ
પ્રવાસીઓ માટેના 'વિઝિટર વિઝા' પ્રોસેસિંગમાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. હવે ભારતીયોને વિઝિટર વિઝા ૨૨ દિવસના બદલે ૨૧ દિવસમાં મળી રહ્યા છે. બીજી તરફ, ભારતીય વ્યાવસાયિકો માટે 'વર્ક પરમિટ' ની સમયરેખા ૯ અઠવાડિયા પર યથાવત રાખવામાં આવી છે. જોકે, કેનેડાની અંદરથી જ વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવનારાઓ માટે સમય ઘટીને ૧૨૯ દિવસ થયો છે, જે આ વર્ષનો સૌથી નીચો સ્તર છે.
વિદ્યાર્થીઓને લાગશે થોડો વધુ સમય
એક તરફ જ્યાં પ્રવાસીઓ અને વાલીઓ માટે સારા સમાચાર છે, ત્યાં કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે. ભારતમાંથી સબમિટ થતી 'સ્ટડી પરમિટ' (વિદ્યાર્થી વિઝા) ની પ્રક્રિયામાં એક અઠવાડિયાનો વધારો થયો છે. અગાઉ જે સ્ટડી પરમિટ ૪ અઠવાડિયામાં પ્રોસેસ થતી હતી, તેના માટે હવે વિદ્યાર્થીઓએ ૫ અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
વિઝા પ્રોસેસિંગ સમયનું સરખામણી કોષ્ટક:
IRCC ના ડેટા અનુસાર વિવિધ દેશોમાંથી થતી અરજીઓનો વર્તમાન અંદાજિત સમય નીચે મુજબ છે:
વિઝા શ્રેણી ભારત કેનેડા (દેશની અંદરથી) યુનાઇટેડ સ્ટેટ્સ (USA)
વર્ક પરમિટ ૯ અઠવાડિયા ૧૨૯ દિવસ ૪ અઠવાડિયા
અભ્યાસ પરમિટ ૫ અઠવાડિયા ૭ અઠવાડિયા ૫ અઠવાડિયા
વિઝિટર વિઝા ૨૧ દિવસ ૩૮ દિવસ અગાઉના અપડેટ કરતા લાંબો સમય
સુપર વિઝા ૫૦ દિવસ લાગુ પડતું નથી પ્રક્રિયામાં આશરે ૩ અઠવાડિયાનો વધારો
ખાસ નોંધ: IRCC ના જણાવ્યા અનુસાર, આ સમયગાળો માત્ર વર્તમાન અરજીઓના વોલ્યુમ અને જૂના વલણો પર આધારિત એક અંદાજ છે. આ કોઈ ચોક્કસ સમયમર્યાદાની ગેરંટી નથી. ઇમિગ્રેશન વિભાગ દર અઠવાડિયે આ ડેટા અપડેટ કરતું રહે છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
