<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

અંતરિક્ષમાં મોટો ઇતિહાસ રચાયો : 'બીજી દુનિયા'ની શોધ માટે ' નાસા ' એ લોન્ચ કર્યું સુપર ટેલિસ્કોપ

પૃથ્વીથી 15 લાખ કિમી દૂર L2 પોઈન્ટ પર પહોંચીને આ ટેલિસ્કોપ હબલ કરતાં 100 ગણા મોટા વિસ્તારનું સર્વેક્ષણ કરશે. આ મિશન ડાર્ક મેટર, ડાર્ક એનર્જી અને નવા ગ્રહો શોધવામાં મદદ કરશે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. અત્યાધુનિક શક્તિશાળી ફાલ્કન હેવી રોકેટ દ્વારા ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ કોમ્પ્લેક્સ 39A પરથી સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ભારતીય સમય મુજબ સાંજે 4:57 કલાકે આ મિશને 15 લાખ કિમી દૂર આવેલા સૂર્ય-પૃથ્વી L2 પોઈન્ટ તરફ યાત્રા શરૂ કરી છે.

 

વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપનું અંતરિક્ષમાં સફળ પ્રયાણ થઈ ચૂક્યું છે. નાસાના પ્રથમ ચીફ એસ્ટ્રોનોમર નેન્સી ગ્રેસ રોમનના સન્માનમાં આ મિશનનું નામકરણ કરવામાં આવ્યું છે. સ્પેસએક્સના વિશાળ ફાલ્કન હેવી રોકેટે તેને ચોક્કસ માર્ગ પર તરતું મૂક્યું છે. આ મિશન ખગોળ વિજ્ઞાન માટે એક યુગ બદલનાર પગલું સાબિત થશે, કારણ કે તે બ્રહ્માંડના એવા ખૂણાઓને કેમેરામાં કેદ કરશે જે અત્યાર સુધી અદ્રશ્ય રહ્યા છે. આ નવું સ્પેસ ટેલિસ્કોપ કોઈ સામાન્ય સેટેલાઇટની જેમ પૃથ્વીની પ્રદક્ષિણા નહીં કરે, પરંતુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી લાગ્રેન્જ પોઈન્ટ-2 (L2) પર સ્થિર થશે.

 

 

આ ટેલિસ્કોપનું 2.4 મીટરનું પ્રાઈમરી મિરર હબલ ટેલિસ્કોપ જેટલું જ મોટું છે, પરંતુ તેની સાચી શક્તિ તેનો વાઈડ ફિલ્ડ ઈન્સ્ટ્રુમેન્ટ (Wide Field Instrument) છે. નેન્સી રોમન ટેલિસ્કોપ એક જ ક્લિકમાં હબલ ટેલિસ્કોપ કરતાં ઓછામાં ઓછા 100 ગણા મોટા આકાશી વિસ્તારનું નિરીક્ષણ કરી શકે છે. જેમ્સ વેબ કોઈ એક નિર્ધારિત આકાશી પિંડની અત્યંત ઊંડાણપૂર્વક ઝીણવટભરી વિગતો તપાસે છે, જ્યારે રોમન ટેલિસ્કોપ આખા આકાશનું બૃહદ સર્વેક્ષણ કરીને બ્રહ્માંડનો વિશાળ નકશો તૈયાર કરશે.

 

આ મહત્વાકાંક્ષી મિશનનો મુખ્ય હેતુ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો – ડાર્ક એનર્જી અને ડાર્ક મેટરની પ્રકૃતિને સમજવાનો છે. આ ઉપરાંત આપણી આકાશગંગા (Milky Way) અને તેની બહાર આવેલા હજારો નવા એક્સોપ્લેનેટ્સ (સૌરમંડળ બહારના ગ્રહો) શોધવામાં આ ટેલિસ્કોપ મદદરૂપ થશે. ખગોળશાસ્ત્રીઓને આશા છે કે આ સર્વેક્ષણથી બ્રહ્માંડ કેવી રીતે વિસ્તરી રહ્યું છે તેના વણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો મળી શકશે.

(10:22 PM IST)