<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

વીમા ક્ષેત્રે મોટો ઉછાળો: ઓક્ટોબરમાં એલઆઈસી અને આઈસીઆઈસીઆઈના પ્રીમિયમ કલેક્શનમાં જંગી વધારો

એલઆઈસીનું પ્રીમિયમ કલેક્શન ૩૧ ટકા વધ્યું, જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે નવા બિઝનેસમાં નોંધાવી સૌથી ઝડપી વૃદ્ધિ

મુંબઈ : દેશના વીમા ક્ષેત્ર માટે ઓક્ટોબર મહિનો અત્યંત ઉત્સાહજનક રહ્યો છે, જેમાં દેશની તમામ મુખ્ય જીવન વીમા કંપનીઓએ પ્રીમિયમ કલેક્શનના મોરચે નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) સૌથી વધુ પ્રીમિયમ એકત્ર કરીને મોખરે રહ્યું છે, જ્યારે ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ (ICICI) પ્રુડેન્શિયલે કુલ એપીઈ (APE) માં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવીને બાજી મારી છે. જોકે, કેટલીક કંપનીઓ માટે વ્યક્તિગત ધોરણે નવી પોલિસીઓથી થતી વ્યવસાયિક વૃદ્ધિ થોડી ધીમી જોવા મળી છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, એલઆઈસી (LIC) એ ઓક્ટોબર મહિનામાં કુલ રૂ. ૨૫,૩૧૬ કરોડનું પ્રીમિયમ કલેક્શન કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાના રૂ. ૧૯,૨૭૪ કરોડની સરખામણીએ વાર્ષિક ધોરણે ૩૧.૩% નો મોટો વધારો દર્શાવે છે. આ દરમિયાન એલઆઈસીનું કુલ વાર્ષિક પ્રીમિયમ સમકક્ષ (APE) ૧૯.૫% વધીને રૂ. ૫,૮૨૭ કરોડ અને વ્યક્તિગત APE ૫% વધીને રૂ. ૨,૮૮૬ કરોડ થયું છે. બીજી તરફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું કુલ પ્રીમિયમ કલેક્શન ૩૭.૫% વધીને રૂ. ૨,૪૩૭ કરોડ અને કુલ APE ૪૮.૨% વધીને રૂ. ૧,૭૪૭ કરોડ પહોંચ્યું છે, જોકે તેનો વ્યક્તિગત APE ૦.૩% ઘટીને રૂ. ૫૯૯ કરોડ રહ્યો છે.

અન્ય પ્રમુખ કંપનીઓમાં એચડીએફસી (HDFC) લાઇફનું કુલ પ્રીમિયમ ૧૭.૮% વધીને રૂ. ૩,૩૩૪ કરોડ અને વ્યક્તિગત APE ૧૬% વધીને રૂ. ૧,૧૩૦.૧૩ કરોડ થયું છે, જેનું કુલ APE ૧૪.૩% વધીને રૂ. ૭૬૪ કરોડ અને વ્યક્તિગત APE ૧૧.૭% વધીને રૂ. ૭૧૧ કરોડ પહોંચ્યું છે. જ્યારે બજાજ લાઇફનું કુલ પ્રીમિયમ ૧૯.૪% વધીને રૂ. ૧,૩૫૫ કરોડ (વ્યક્તિગત APE ૦.૪% ઘટીને રૂ. ૫૨૧ કરોડ) અને એસબીઆઈ (SBI) લાઇફનું પ્રીમિયમ ૧૧.૬% વધીને રૂ. ૩,૫૫૬ કરોડ નોંધાયું છે, જેનો કુલ APE ૨.૨% વધ્યો પરંતુ વ્યક્તિગત APE ૦.૯% ઘટ્યો છે.

એકંદરે, ઓક્ટોબરમાં કંપનીઓએ કુલ પ્રીમિયમ એકત્રીકરણમાં શાનદાર દેખાવ કર્યો છે, પરંતુ વ્યક્તિગત APE ડેટા સ્પષ્ટ કરે છે કે નવી ગ્રાહક પોલિસીઓની વૃદ્ધિ દર બધી કંપનીઓમાં એકસમાન રહ્યો નથી. અગાઉના ક્વાર્ટર્સમાં પણ રિટેલ પોલિસી વેચાણમાં જોવા મળેલી વધઘટની અસર ઓક્ટોબરના આંકડા પર સ્પષ્ટ વર્તાઈ રહી છે. વીમા નિયામક (IRDAI) અને વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આગામી તહેવારો અને નાણાકીય વર્ષના અંતિમ છ માસિક ગાળા દરમિયાન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી વ્યક્તિગત યોજનાઓ અને ડિજિટલ માર્કેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

(10:58 PM IST)