તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
બ્રિટનમાં સરકારી અપીલ બાદ તૈયાર ખોરાક અને પાણીની ખરીદીમાં મોટો ઉછાળોઃ લોકો ઘરમાં જરૂરી જથ્થો રાખવા લાગ્યા
ઇમરજન્સીની તૈયારી માટેના અભિયાનની અસરઃ સેનિટાઇઝરના વેચાણમાં ૮૩ ટકા અને બોટલબંધ પાણીમાં ૬૭ ટકાનો વધારો

લંડન : બ્રિટનની સરકારે સંભવિત કુદરતી આફતો, સાયબર હુમલા અથવા વીજળી અને પાણી જેવી જરૂરી સેવાઓમાં વિક્ષેપ સામે નાગરિકોને તૈયાર રહેવા અપીલ કરતાં રોજિંદી જરૂરી ચીજવસ્તુઓની ખરીદીમાં મોટો વધારો નોંધાયો છે.
બ્રિટિશ સરકારે ૨૨ ઓક્ટોબરે ‘બી રેડી’ નામનું જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. તેના દ્વારા નાગરિકોને કોઈપણ કટોકટીમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ઉપયોગી થાય એટલું પાણી, ખોરાક અને જરૂરી સામગ્રી ઘરમાં રાખવા જણાવાયું હતું.
અભિયાન શરૂ થયા પછીના દસ દિવસમાં ખરીદીના આંકડામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.
બજાર સંશોધન કરતી સંસ્થાના આંકડા પ્રમાણે હેન્ડ સેનિટાઇઝરના વેચાણમાં ૮૩ ટકા, બોટલબંધ પાણીમાં ૬૭ ટકા અને ટીન તથા બરણીમાં પેક કરેલી ખાદ્યવસ્તુઓના વેચાણમાં ૩૭ ટકાનો વધારો નોંધાયો છે.
ટીનમાં પેક કરેલા માંસની ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
જોકે સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે લોકોમાં ગભરાટ ફેલાયો હોય તેવી સ્થિતિ નથી. મોટાભાગના પરિવારો પોતાની નિયમિત ખરીદી સાથે થોડો વધારાનો જથ્થો ઉમેરી રહ્યા છે.
સરકારની અપીલ પાછળ પૂર, વાવાઝોડાં, વીજ પુરવઠો ખોરવાવા અને અન્ય કટોકટી સમયે પરિવારો પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે તે મુખ્ય હેતુ છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
