<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ચૂંટણી પંચની મોટી ભૂલ: પદ્મશ્રી એવોર્ડ વિજેતા હરેકલા હજાબ્બાને મતદાર યાદીમાં નામની વિસંગતતા બદલ ફટકારી નોટિસ; વિવાદ વધતાં અધિકારીઓ ઘરે દોડ્યા!

૨૦૦૨ ની જૂની યાદીમાં 'હજાબ્બા' અને આધાર સહિતના દસ્તાવેજોમાં 'હરેકલા હજાબ્બા' નામ હોવાથી BLO એ ફટકારી હતી નોટિસ; નારંગી વેચીને ગામમાં શાળા બનાવનાર પદ્મશ્રી વિજેતા સમક્ષ તંત્રે ભૂલ સ્વીકારી.

બેંગલુરુ, તા. ૦૮: કર્ણાટક ચૂંટણી પંચની ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. મેંગલુરુના સ્થાનિક ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત અક્ષર સંત હરેકલા હજાબ્બાને મતદાર યાદીમાં નામ મેળ ન ખાતું હોવાનું કહીને પંચાયત કચેરીએ હાજર થવાની નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેમણે તાત્કાલિક હરેકલા હજાબ્બાના ઘરે પહોંચીને દસ્તાવેજો એકત્ર કરી નામની ભૂલ સુધારી હતી.

 

મેંગલુરુ વિધાનસભા મતવિસ્તારની વર્ષ ૨૦૦૨ ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર 'હજાબ્બ' તરીકે નોંધાયેલું હતું. જ્યારે તેમના પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશનકાર્ડ અને નવા વોટર આઈડી કાર્ડ જેવા તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેમનું પૂરું નામ 'હરેકલા હજાબ્બા' લખેલું હતું. નામો વચ્ચેની આ વિસંગતતાને કારણે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ बजाવતા BLO એ નોટિસ પાઠવીને તેમને ૧૧ સપ્ટેમ્બરના રોજ પંચાયતમાં હાજર રહેવા જણાવ્યું હતું. જોકે, પદ્મશ્રી હજાબ્બાએ આ બાબતે કોઈ નારાજગી દર્શાવી નહોતી, પરંતુ ઘટનાની ગંભીરતા જોઈને વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે ચૂંકના કારણે આ નોટિસ ઈશ્યૂ થઈ ગઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે, મેંગલુરુ નજીકના હરેકલા ગામના વતની હરેકલા હજાબ્બા અત્યંત સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ મેંગલુરુ બસ સ્ટેન્ડ પર માથા પર ટોપલી મૂકીને નારંગી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોતે અશિક્ષિત હોવા છતાં તેમણે સંકલ્પ કર્યો હતો કે તેમના ગામનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. નારંગી વેચીને ભેગા કરેલા નાણાં અને પાંચ વર્ષથી વધુ સમય સુધી શિક્ષણ વિભાગના ધક્કા ખાઈને તેમણે પોતાના ગામમાં પ્રાથમિક અને હાઈસ્કૂલ મંજૂર કરાવી હતી. તેમની આ નિઃસ્વાર્થ સેવા બદલ ૨૦૨૦ માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, અને તેમણે એવોર્ડની રકમ પણ ગામમાં જુનિયર કોલેજ બનાવવા માટે દાન કરી દીધી હતી.

 

(5:11 PM IST)