તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
મુંબઈમાં ક્રિસ્ટલ ડિસોઝા સાથે મોટી રહસ્યમય ઘટના: કારની વિન્ડશિલ્ડ પર મળી ધમકીભરી નોટ — "આજે હસી લે, ટૂંક સમયમાં તારું સત્ય બહાર આવશે!"
શૂટિંગ પૂરું કરીને કાર પાસે પહોંચેલી અભિનેત્રી ડર અને મૂંઝવણમાં મૂકાઈ: સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વીડિયો શેર કરીને વ્યક્ત કરી ચિંતા; કરણ જોહરના 'ધ ટ્રેટર્સ ૨' નો પબ્લિસિટી સ્ટંટ હોવાની પણ અટકળો!

મુંબઈ : પોતાના અદ્ભુત અભિનય અને સુંદરતા માટે જાણીતી ટીવી અને બોલિવૂડ અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા (Krystle D'Souza) તાજેતરમાં નેધરલેન્ડ્સના વેકેશન પરથી પરત ફર્યા બાદ એક અજાણ્યા ભય અને મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. કામ પૂરું કરીને જ્યારે તે પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી પોતાની કાર પાસે પહોંચી, ત્યારે તેની વિન્ડશિલ્ડ પરથી એક રહસ્યમય અને ચોંકાવનારી હસ્તલિખિત નોંધ (Handwritten Note) મળી આવી હતી.
અભિનેત્રીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેનાથી તેના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
"જેણે પણ આ કર્યું છે તે મુદ્દલ રમુજી નથી" — ક્રિસ્ટલનો વીડિયો
વીડિયોની શરૂઆતમાં ક્રિસ્ટલે જણાવ્યું કે, "હું સામાન્ય રીતે આવા વીડિયો નથી બનાવતી, પરંતુ હું હમણાં જ મારું કામ પૂરું કરીને પાર્કિંગમાં મારી કાર પાસે આવી ત્યારે મને વિન્ડશિલ્ડ પર આ નોટ મળી છે."
ત્યારબાદ કેમેરો ફેરવીને તેણે તે હસ્તલિખિત નોટ વાંચી સંભળાવી હતી, જેમાં લખ્યું હતું:
"આજે તું જેટલું હસી શકે એટલું હસી લે ક્રિસ્ટલ... ટૂંક સમયમાં તારું સાચું સત્ય બહાર આવશે!!"
ક્રિસ્ટલે વીડિયોમાં સ્વીકાર્યું હતું કે આ ઘટનાથી તે ખૂબ જ પરેશાન છે. તેણે કહ્યું, "જો આ કોઈ મજાક હોય, તો તે સહેજ પણ રમુજી નથી. સામાન્ય રીતે હું આવી બાબતોને અવગણું છું, પરંતુ આ નોટમાં મારું નામ લખેલું છે, એટલે હું જાણું છું કે આ કોઈ રેન્ડમ કે સામાન્ય બાબત નથી. મને નથી સમજાતું કે મારે ડરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ કે આને રમુજ ગણવી જોઈએ."
રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ ૨' સાથે કનેક્શન હોવાની ચર્ચા:
આ વિવાદ વચ્ચે એક રસપ્રદ ચર્ચા એ પણ સામે આવી રહી છે કે ક્રિસ્ટલ ડિસોઝા કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવનારા મોસ્ટ અવેટેડ રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ સીઝન ૨' (The Traitors Season 2) માં સ્પર્ધક તરીકે જોડાવાની છે.
· પ્રાઇમ વિડિયોના આ શોમાં અત્યાર સુધી મુનાવર ફારુકી અને મલ્લિકા શેરાવતના નામ કન્ફર્મ થયા છે, જ્યારે ક્રિસ્ટલ પણ ૨૧ સેલિબ્રિટી સ્પર્ધકોમાં સામેલ હોવાનું કહેવાય છે.
· આથી, ઘણા નેટીઝન્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આ રહસ્યમય નોટ ખરેખર કોઈ ધમકી છે કે પછી આ શો ના પ્રમોશન માટેનો જ એક ભાગ (PR Stunt) છે! જોકે, ચાહકો સોશિયલ મીડિયા પર ક્રિસ્ટલને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા સલાહ આપી રહ્યા છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
