<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કર્મચારીઓ માટે મોટા સમાચાર: સરકારે જાહેર કર્યું નવું ‘એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ-2026’, વર્ષ 1952નો જૂનો કાયદો થયો રદ

​દેશભરના લાખો નોકરિયાત વર્ગને સીધી અસર કરશે નવો ફેરફાર: ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ હેઠળ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 29 જૂનથી અમલી બની નવી જોગવાઈઓ

​નવી દિલ્હી: ​દેશના લાખો કર્મચારીઓના ભવિષ્ય અને નિવૃત્તિ સુરક્ષા સાથે જોડાયેલા નિયમોમાં કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. વર્ષોથી અમલી રહેલી ‘એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) સ્કીમ, 1952’ને હવે સરકારે સત્તાવાર રીતે વિદાય આપી દીધી છે. તેની જગ્યાએ કેન્દ્ર સરકારે નવી ‘એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 2026’ જાહેર કરી છે, જેનો અમલ દેશભરમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

​સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયેલી વિગતો અનુસાર, આ નવો ફેરફાર દેશમાં શ્રમ કાયદાઓના આધુનિકીકરણના ભાગરૂપે અમલી બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ના અમલીકરણના ભાગરૂપે આ નવી યોજના તૈયાર કરી છે. આ યોજના સાથે જ જૂની પદ્ધતિઓ અને નિયમોમાં જરૂરી સુધારા કરી તેને વર્તમાન સમયની જરૂરિયાતો મુજબ વધુ સુલભ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

​નવી યોજના અંગેની સત્તાવાર અધિસૂચના 29 જૂન, 2026ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થતાની સાથે જ તે સમગ્ર દેશમાં અમલમાં આવી ગઈ છે. આ પરિવર્તન હેઠળ પીએફના યોગદાન, ઉપાડ અને વ્યવસ્થાપનને લગતી પ્રક્રિયાઓમાં હવે 2026ની નવી જોગવાઈઓ લાગુ પડશે. આ ફેરફારથી પીએફ ખાતાધારકોને મળતા લાભો અને યોજનાના સંચાલનમાં આવનારા સમયમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.

​સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ સિક્યુરિટી કોડ હેઠળ તમામ શ્રમ કલ્યાણકારી યોજનાઓને એક છત્ર નીચે લાવવાનો અને પીએફ ધારકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ નવા નિયમોના કારણે આગામી દિવસોમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંને પક્ષે નવી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. કર્મચારીઓ માટે આ ફેરફાર તેમની બચત અને નિવૃત્તિ બાદના આયોજન માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

(10:27 AM IST)