<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

કેનેડા જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર: ઓન્ટારિયોએ ઇમિગ્રેશન પ્રોગ્રામમાં કર્યો ધરખમ ફેરફાર, ૮ પ્રવાહોને બદલે હવે માત્ર ૪ પ્રવાહમાં જ મળશે એન્ટ્રી!

નવી 'ઓન્ટારિયો વર્કફોર્સ પ્રાયોરિટી' (OWP) સ્ટ્રીમ થઈ શરૂ: નાના વેપારીઓ પણ હવે વિદેશી કામદારોને બોલાવી શકશે, ઇમિગ્રેશનમાં છેતરપિંડી કરનારાઓ સામે તંત્ર લાલચોળ

ટોરોન્ટો : કેનેડાના સૌથી લોકપ્રિય અને આર્થિક રીતે સમૃદ્ધ પ્રાંત ઓન્ટારિયો (Ontario) એ પોતાના ઇમિગ્રેશન નોમિનેશન પ્રોગ્રામ (OINP) માં એક ઐતિહાસિક અને મોટો સુધારો કર્યો છે. ઓન્ટારિયો સરકારે તેના અત્યાર સુધી ચાલી રહેલા ૮ અલગ-અલગ ઇમિગ્રેશન પ્રવાહો (Streams) ને એકીકૃત કરીને હવે માત્ર ૪ પ્રવાહમાં રૂપાંતરિત કરી દીધા છે. પ્રાંતમાં કુશળ શ્રમિકોની અછતને પહોંચી વળવા અને સ્થાનિક શ્રમ બજારની માંગને વધુ સચોટ બનાવવા માટે આ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જે ઓન્ટારિયો ઇમિગ્રેશન એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી લાગુ પણ કરી દેવાયું છે.
નવી 'OWP સ્ટ્રીમ' લાવી રહી છે નોકરીની સોનેરી તકો
આ પુનર્ગઠન હેઠળ સરકારે તેનો પ્રથમ પ્રવાહ એટલે કે 'ઓન્ટારિયો વર્કફોર્સ પ્રાયોરિટી' (OWP) સ્ટ્રીમ સત્તાવાર રીતે શરૂ કરી દીધો છે, જ્યારે બાકીના ત્રણ પ્રવાહો ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ નવો OWP પ્રવાહ એવા વિદેશી કામદારોને સીધા કેનેડાના કાયમી વસવાટ (PR) ના માર્ગ સાથે જોડશે જેમની પાસે ઓન્ટારિયોના નોકરીદાતાઓ તરફથી સત્તાવાર જોબ ઓફર હશે.
જોકે, આ નવા નિયમમાં લઘુત્તમ ભાષાકીય કૌશલ્ય (IELTS/CLB સ્કોર) અને શૈક્ષણિક લાયકાતના કડક ધોરણો દાખલ કરવામાં આવ્યા છે. આ સ્ટ્રીમમાં એવા અરજદારોને સૌથી પહેલી પ્રાયોરિટી (પ્રાથમિકતા) મળશે જેમની પાસે ઓન્ટારિયોનો સ્થાનિક કામનો અનુભવ છે અને કંપનીઓ સાથે સીધું કનેક્શન છે.
નાના વ્યવસાયો અને નોર્થન ઓન્ટારિયોને બૂસ્ટર ડોઝ
નવા ફેરફારોમાં વિદેશી કામદારોને સ્પોન્સર કરનારા નોકરીદાતાઓ માટે વાર્ષિક આવકની મર્યાદા (Revenue Threshold) ઘટાડી દેવામાં આવી છે. આનાથી મોટો ફાયદો એ થશે કે ઉત્તરીય અને ગ્રામીણ ઓન્ટારિયોમાં કાર્યરત નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ હવે આ ઇમિગ્રેશન પ્રોગ્રામ હેઠળ વિદેશથી પ્રતિભાઓને નોકરી પર બોલાવી શકશે.
આ ઉપરાંત નિયમોમાં ફ્લેક્સિબિલિટી (સુગમતા) પણ વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદેશી નર્સ કેનેડામાં તેના ઓફિશિયલ નર્સિંગ લાયસન્સની પ્રક્રિયા પૂરી કરી રહી હોય, તો તે સમયગાળા દરમિયાન તે પર્સનલ સપોર્ટ વર્કર (PSW) તરીકે કાયદેસર રીતે કામ કરવા માટે પાત્ર બનશે. ઓન્ટારિયોના શ્રમ અને ઇમિગ્રેશન મંત્રી ડેવિડ પિકિનીએ જણાવ્યું છે કે, આ આધુનિકીકરણથી ઓન્ટારિયોના અર્થતંત્રને વધુ વેગ મળશે.
છેતરપિંડી કરનારા એજન્ટો અને અરજદારો સામે કડક એક્શન
ઇમિગ્રેશન સિસ્ટમને પારદર્શક બનાવવા માટે સરકારે 'વર્કિંગ ફોર વર્કર્સ સિક્સ એક્ટ, 2024' હેઠળ કડક દેખરેખ શરૂ કરી છે. વર્ષ ૨૦૧૮માં જ્યાં ખોટા કામ કરનારાઓ સામે માત્ર ૧ વહીવટી આદેશ જાહેર થયો હતો, તેની સરખામણીએ ગત વર્ષોમાં ૨૦૦થી વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. માત્ર વર્ષ ૨૦૨૫ દરમિયાન જ OINPની ઇન્ટિગ્રેટી ટીમે ૪૮૫ જેટલી ઓફિસો અને સ્થળો પર સરપ્રાઈઝ વિઝિટ (દરોડા) કરીને ૭૬ વહીવટી દંડ અને ૫૬ જેટલા કાયમી પ્રતિબંધો જારી કર્યા હતા.
અરજીઓ પર શું અસર થશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે જે અરજદારોએ જૂના માળખા હેઠળ પોતાની ફાઈલો સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા જૂના નિયમો પ્રમાણે જ ચાલુ રહેશે અને તેમને કોઈ નુકસાન નહીં થાય. જોકે, આ નવી સિસ્ટમમાં ટ્રાન્ઝિશન (બદલાવ) લાવવા માટે ૨૫ જૂનના રોજ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે, જે આ ઉનાળાના અંતમાં નવી નોંધણીઓ માટે ફરી ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં ઓન્ટારિયોએ આ પ્રોગ્રામ હેઠળ ૧૦,૭૫૦ લોકોને પીઆર માટે નોમિનેટ કર્યા હતા.

(6:27 PM IST)