News of Monday, 29th June 2026
ન્યુઝીલેન્ડ જવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર: ૧૩ જુલાઈથી બંધ થશે ઘરે બેઠા અંગ્રેજીની OET પરીક્ષા આપવાનો ઓપ્શન, હવે સેન્ટર પર જવું ફરજિયાત
મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રના પ્રોફેશનલ્સને સીધી અસર: ઇમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા અને પારદર્શિતા વધારવા ન્યુઝીલેન્ડ સરકારનો મોટો નિર્ણય, જૂના સ્કોર્સ રહેશે માન્ય

વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડ જઈને સ્થાયી થવા અથવા ત્યાં નોકરી મેળવવાનું સપનું જોતા વિદેશી નાગરિકો, ખાસ કરીને હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (Immigration New Zealand) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, આગામી ૧૩ જુલાઈ, ૨૦૨૬ થી ઇમિગ્રેશન અરજીઓ માટે 'ઘરે બેઠા ઓનલાઈન વ્યવસાયિક અંગ્રેજી પરીક્ષા' (OET - Occupational English Test) સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ નવા નિયમ મુજબ, હવે તમામ અરજદારોએ સત્તાવાર પરીક્ષા કેન્દ્રો (Test Centers) પર રૂબરૂ જઈને જ વિઝિલેટર્સની દેખરેખ હેઠળ અંગ્રેજી ભાષાની પરીક્ષાના તમામ ભાગો પાસ કરવા પડશે.
૧૨ જુલાઈની મધ્યરાત્રિથી નવો કડક નિયમ અમલી બનશે
ન્યુઝીલેન્ડના પ્રમાણભૂત સમય (NZST) અનુસાર, આ નવો કાયદો ૧૨ જુલાઈ, ૨૦૨૬ ની મધ્યરાત્રિથી જ લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, OET એ એક ખાસ પ્રકારની અંગ્રેજી ભાષાની પ્રાવીણ્ય પરીક્ષા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડોકટરો, નર્સ અને અન્ય તબીબી કર્મચારીઓ ન્યુઝીલેન્ડના વિઝા મેળવવા માટે કરતા હોય છે. અત્યાર સુધી આ પરીક્ષા ઘરના કમ્ફર્ટ ઝોનમાંથી ઓનલાઈન આપવાની છૂટ હતી, પરંતુ હવે ૧૩ જુલાઈ કે તેના પછી પરીક્ષા આપનારાઓએ ફરજિયાતપણે અધિકૃત સેન્ટર પર જ હાજર રહેવું પડશે.
સિસ્ટમની ન્યાયીકતા અને પારદર્શિતા જાળવવા લીધો નિર્ણય
ઇમિગ્રેશન ઓથોરિટીએ આ મોટો ફેરફાર કરવા પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, "આ નિર્ણયનો હેતુ દરેક અરજદાર માટે પરીક્ષાની પ્રક્રિયાને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવાનો છે. આનાથી ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતાનું રક્ષણ થશે અને એ સુનિશ્ચિત કરી શકાશે કે વિદેશથી આવતા પ્રોફેશનલ્સની અંગ્રેજી કુશળતા અને ક્ષમતા વાસ્તવિક તેમજ સાચી છે."
જૂના સ્કોર્સ ધરાવતા લોકોને ચિંતા કરવાની જરૂર નથી
સરકારે આ નીતિમાં એવા લોકોને મોટી રાહત આપી છે જેમણે અગાઉથી જ પરીક્ષા આપી દીધી છે. જે અરજદારોએ પહેલાથી જ ઘરે બેઠા ઓનલાઈન OET પાસ કરી લીધી છે અથવા જેઓ ૧૨ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં આ પરીક્ષા પૂર્ણ કરી લેશે, તેમના સ્કોર્સ ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશન માટે સંપૂર્ણ રીતે માન્ય ગણવામાં આવશે. તેઓ પોતાની વિઝા અરજી પ્રક્રિયામાં આ જૂના પરિણામોનો ઉપયોગ ચાલુ રાખી શકશે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે સ્વીકાર્યું છે કે આ અચાનક નિર્ણયથી કેટલાક અરજદારોને પોતાની પ્લાનિંગ બદલવી પડી શકે છે, તેથી સંસ્થા આ સંક્રમણ કાળને સરળ બનાવવા OET મેનેજમેન્ટ સાથે નજીકથી કામ કરી રહી છે. ખાસ નોંધનીય છે કે, આ ફેરફાર માત્ર OET પરીક્ષા આપનારાઓ માટે જ છે, અન્ય માન્ય અંગ્રેજી પરીક્ષાઓ (જેમ કે IELTS કે PTE) ના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
