<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

LPG કનેક્શન ધારકો માટે મોટા સમાચાર: ૩૦ દિવસમાં આ કામ નહીં કરો તો કપાઈ જશે કનેક્શન!

.સરકારની ‘એક ઘર, એક ગેસ’ નીતિ હેઠળ નવો કડક નિયમ: PNG લાઈન ધરાવતા પરિવારોએ સરેન્ડર કરવું પડશે સિલિન્ડર : નિયત સમયમર્યાદા પૂરી થયા બાદ ગેસ સપ્લાય થઈ શકે છે બંધ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે ભારતમાં રાંધણ ગેસના પુરવઠાને સુવ્યવસ્થિત કરવા માટે સરકારે કમર કસી લીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં એલપીજી રિફિલિંગ માટે ૨૫ અને ૪૫ દિવસના બુકિંગ ગાળા સહિતના અનેક ફેરફારો બાદ હવે સરકારે કાળાબજાર રોકવા અને "એક ઘર, એક ગેસ કનેક્શન" નીતિને વધુ મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત જે ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શન સુવિધા ઉપલબ્ધ છે, તેમણે આગામી ૩૦ દિવસની અંદર પોતાનું પ્રવાહી પેટ્રોલિયમ ગેસ (LPG) કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર કરવું પડશે. જો ગ્રાહકો નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમનો ગેસ સપ્લાય બ્લોક અથવા ખોરવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

આ આકરો સરકારી આદેશ ઇન્ડેન ગેસ (Indane), એચપી ગેસ (HP Gas) કે ભારત ગેસ (Bharat Gas) સહિત દેશની તમામ સરકારી અને ખાનગી ગેસ કંપનીઓના ગ્રાહકોને સમાન રીતે લાગુ પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકના ઘરે ૨૩ જૂન, ૨૦૨૬ ના રોજ પીએનજી કનેક્શન એક્ટિવ થાય છે, તો તેણે ૨૩ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં પોતાનું જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરી દેવું પડશે. સરકારના આ કદમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાંથી સબસિડીવાળા સિલિન્ડરોનો દુરુપયોગ અટકાવવાનો અને તે બચત દ્વારા દેશના ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી એલપીજી સિલિન્ડરનો પુરવઠો સરળતાથી પહોંચાડવાનો છે.

જો કે, આ નિયમથી ગ્રાહકોને ભવિષ્યમાં કોઈ મોટું નુકસાન ન થાય તે માટે સરકારે રાહતની પણ જોગવાઈ કરી છે. જે ગ્રાહકો નિયમ મુજબ પોતાનું LPG સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવશે, તેમને ગેસ એજન્સી તરફથી એક 'ટ્રાન્સફર વાઉચર' આપવામાં આવશે. આ વાઉચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં જો કોઈ ગ્રાહક અન્ય શહેરમાં સ્થળાંતર કરે અથવા તેમને ફરીથી એલપીજી કનેક્શનની જરૂર પડે, તો તેઓ કોઈપણ નવી લાંબી કાગળિયાંની વિધિ કે વધારાના ડિપોઝિટ ખર્ચ વગર પોતાનું કનેક્શન તાત્કાલિક પુનઃસ્થાપિત કરાવી શકશે.

(6:45 PM IST)