તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
રેલ મુસાફરો માટે મોટા સમાચાર: નવી દિલ્હી રેલવે સ્ટેશનના કાયાકલ્પ માટે ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ધમધમતું થશે અત્યાધુનિક 'બિજવાસન ટર્મિનલ'; મુસાફરોને મળશે એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓ!
પ્લેટફોર્મ નંબર ૧ થી ૫ પર ટૂંક સમયમાં કામ શરૂ થતાં ૨૫થી વધુ ટ્રેનો અન્ય સ્ટેશનો પર ડાયવર્ટ કરાશે; બિજવાસનથી ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારત તરફ જતી ૫૦થી વધુ ટ્રેનો દોડાવવાનું માસ્ટર પ્લાનિંગ

નવી દિલ્હી: દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં જેની ગણના થાય છે તેવા નવી દિલ્હી રેલવે સ્ટેશન (NDLS)ના ભવ્ય પુનઃવિકાસ (Redevelopment) પ્રોજેક્ટને લઈને ભારતીય રેલવે દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ મેગા પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. નવી દિલ્હી સ્ટેશનને આધુનિક બનાવવા માટે આગામી ૪ થી ૫ મહિનામાં પ્લેટફોર્મ સ્તરે મોટા પાયે કામગીરી શરૂ થવા જઈ રહી છે. સ્ટેશન પરના ટ્રેનોના ભારણને ઓછો કરવા અને મુસાફરોની અવરજવર સુવિધાજનક બનાવવા માટે દિલ્હીમાં નવું લક્ઝરી 'બિજવાસન રેલવે ટર્મિનલ' (Bijwasan Railway Terminal) આગામી ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ તબક્કાવાર રીતે આગળ વધશે. પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૫, બીજા તબક્કામાં પ્લેટફોર્મ ૬ થી ૧૦ અને અંતિમ તબક્કામાં પ્લેટફોર્મ ૧૧ થી ૧૬ પર કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવી દિલ્હીથી ઉપડતી અનેક પ્રતિષ્ઠિત ટ્રેનોને તબક્કાવાર રીતે દિલ્હીના અન્ય સેટેલાઇટ સ્ટેશનો પર શિફ્ટ કરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ ૨૫થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવાની સત્તાવાર યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.
એરપોર્ટ, મેટ્રો અને એક્સપ્રેસવે સાથે સુપર ફાસ્ટ કનેક્ટિવિટી
બિજવાસન ટર્મિનલને માત્ર રેલવે સ્ટેશન તરીકે નહીં, પરંતુ એક વર્લ્ડ ક્લાસ મલ્ટિમોડલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI Airport)ની બિલકુલ નજીક સ્થિત આ ટર્મિનલથી દ્વારકા સેક્ટર-૨૧ મેટ્રો સ્ટેશન અને પ્રસ્તાવિત આંતરરાજ્ય બસ ટર્મિનલ (ISBT) માત્ર એક કિલોમીટરથી ઓછા અંતરે આવેલા છે. આ ઉપરાંત તે અર્બન એક્સ્ટેન્શન રોડ (UER) અને દ્વારકા એક્સપ્રેસવે સાથે સીધું જોડાયેલું હોવાથી મુસાફરોને ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હી સુધી પહોંચવામાં જરાય સમય નહીં લાગે. અહીં કુલ ૭ અદ્યતન પ્લેટફોર્મ હશે, જ્યાંથી દરરોજ ૫૦થી વધુ ટ્રેનો ઓપરેટ થઈ શકશે.
રેલવેના રી-રૂટિંગ પ્લાન મુજબ, પશ્ચિમ અને દક્ષિણ ભારત તરફ જતી મોટાભાગની પ્રીમિયમ ટ્રેનો બિજવાસન ટર્મિનલથી દોડાવવામાં આવશે. નવી દિલ્હી સ્ટેશન પર કામ ચાલુ હોવા દરમિયાન કયા સ્ટેશનેથી કઈ મુખ્ય ટ્રેનો ઓપરેટ થશે તેની વિગતવાર યાદી નીચે મુજબ છે:
ટ્રેનોના શિફ્ટિંગનું નવું ટાઈમટેબલ:
રેલવે સ્ટેશન શિફ્ટ થનારી મુખ્ય ટ્રેનો
બિજવાસન ટર્મિનલ આશ્રમ એક્સપ્રેસ, જયપુર સુપરફાસ્ટ, આંધ્ર પ્રદેશ એક્સપ્રેસ, કર્ણાટક એક્સપ્રેસ અને ગુજરાત-રાજસ્થાન તરફ જતી અન્ય ટ્રેનો.
આનંદ વિહાર ટર્મિનલ દેહરાદૂન શતાબ્દી, કાઠગોદામ શતાબ્દી, પ્રયાગરાજ હમસફર અને પૂર્વ તરફ (UP-Bihar) જતી અન્ય ટ્રેનો.
હઝરત નિઝામુદ્દીન ભોપાલ શતાબ્દી, તાજ એક્સપ્રેસ, ડૉ. આંબેડકર નગર સુપરફાસ્ટ.
જૂની દિલ્હી ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
સબજી મંડી જમ્મુ રાજધાની, ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
શકુર બસ્તી હઝુર સાહિબ નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસ, વૈશાલી એક્સપ્રેસ.
સફદરજંગ બિહાર તરફ જતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો.
આગામી દિવસોમાં જ્યારે નવી દિલ્હી સ્ટેશનના પ્લેટફોર્મ પર સત્તાવાર બ્લોક લેવામાં આવશે, ત્યારે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા એડવાન્સ એસએમએસ (SMS) અને હેલ્પલાઈન ડેસ્ક દ્વારા સતત અપડેટ્સ આપવામાં આવશે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
