News of Friday, 11th September 2026
મુંબઈગરાં માટે રાહતના મોટા સમાચાર: વર્સોવા-મઢ કેબલ સ્ટેડ બ્રિજને હાઈકોર્ટની લીલી ઝંડી, હવે ૯૦ મિનિટની હાલાકીભરી સફર માત્ર ૧૦ મિનિટમાં પૂરી થશે!
રૂ. ૨,૩૯૫ કરોડના પ્રોજેક્ટ માટે ૧,૨૩૭ મેન્ગ્રોવ્ઝ કાપવાની બીએમસીને મંજૂરી; પર્યાવરણના જતન માટે બદલામાં ૩૯,૦૦૦ નવા મેન્ગ્રોવ્ઝ વાવવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું વચન.

મુંબઈ, તા.૧૧: મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા લાખો પ્રવાસીઓ માટે આખરે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. વર્સોવા અને મઢ વચ્ચે અંદાજે ૨,૩૯૫ કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા બહુપ્રતિક્ષિત કેબલ-સ્ટેડ ફ્લાયઓવરના નિર્માણનો માર્ગ હવે બિલકુલ સાફ થઈ ગયો છે. બોમ્બે હાઈકોર્ટે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણ માટે અવરોધરૂપ બની રહેલા ૧,૨૩૭ મેન્ગ્રોવ્ઝ (મેંગ્રોવ વૃક્ષો)ને કાપવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને અધિકૃત મંજૂરી આપી દીધી છે.
હાલની સ્થિતિએ વર્સોવાથી મઢ પહોંચવા માટે પ્રવાસીઓએ અંધેરી, જોગેશ્વરી, રામ મંદિર અને ઓશિવારા થઈને મલાડ-મઢ-માર્વે રોડ પરથી લગભગ ૧૮ થી ૨૦ કિલોમીટરનું મોટું ચક્કર કાપવું પડે છે. આ લાંબા માર્ગ પર ભીષણ ટ્રાફિકના કારણે લોકોને ૧.૫ કલાક (૯૦ મિનિટ) જેટલો સમય વેડફવો પડતો હતો. જોકે વર્સોવા જેટીથી ફેરી સર્વિસ ઉપલબ્ધ છે, પરંતુ ઓટના સમયે તે બંધ રહેતી હોવાથી પ્રવાસીઓને અગવડતા વેઠવી પડતી હતી. મલાડ ખાડી પર બનનારો આ ૨,૦૬૪ મીટર લાંબો અને ચાર લેનવાળો કેબલ-સ્ટેડ બ્રિજ તૈયાર થતાં જ આ મુસાફરી માત્ર ૫ થી ૧૦ મિનિટમાં પૂરી થઈ જશે, જેનાથી પ્રવાસીઓના ૭૦ થી ૮૦ મિનિટનો કિંમતી સમય બચશે.
પર્યાવરણની ચિંતા દૂર કરતા બીએમસીએ હાઈકોર્ટને બાંહેધરી આપી છે કે ક્ષતિગ્રસ્ત નવ હેક્ટર મેન્ગ્રોવ ભૂમિ પર બદલામાં ૩૯,૦૦૦ નવા મેન્ગ્રોવના છોડ વાવવામાં આવશે. આ છોડવાની આગામી ૧૦ વર્ષ સુધી માવજત અને દેખરેખ માટે ૧.૪૨ કરોડ રૂપિયા પણ જમા કરાવી દેવામાં આવ્યા છે. આ બ્રિજ બનવાથી એસ.વી. રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ન્યુ લિંક રોડ પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
