<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

યુપી 2027ની ચૂંટણી પૂર્વે મોટો રાજકીય દાવ: "અબ્દુલ હવે જાજમ નહીં પાથરે, નાયબ મુખ્યમંત્રી બનશે" — ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઓવૈસીની મોટી જાહેરાત

સામાજિક પરિવર્તન મોરચાની સરકાર બનશે તો મુસ્લિમ અને પછાત વર્ગમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવાનું વચન; લખનૌની રેલીમાં અખિલેશ યાદવ પર આકરા પ્રહાર, તમામ 403 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ

લખનૌ : ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય સમીકરણો ગરમાયા છે. આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના વડા ચંદ્રશેખર આઝાદે ગુરુવારે બંધારણ દિવસે લખનૌમાં યોજાયેલા સામાજિક પરિવર્તન મોરચાના સંમેલનમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે જો 2027માં તેમની સરકાર બને છે, તો મુસ્લિમ સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમારું શાસન લાવો, અબ્દુલ ચંદ્રશેખર આઝાદની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે બેસશે અને વંચિતોની તાકાત બનશે. અબ્દુલ હવે કોઈના માટે જાજમ નહીં પાથરે, સત્તા તેના હાથમાં હશે." સાથે જ તેમણે પછાત અને અતિ પછાત વર્ગમાંથી પણ એક નાયબ મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું.

 

ચંદ્રશેખર આઝાદ સામાજિક પરિવર્તન મોરચા તરફથી મુખ્યમંત્રી પદના ચહેરા છે, જેમણે 12 નવેમ્બરે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી અને આ મોરચો ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. મુસ્લિમ મતદારોને સંબોધતા આઝાદે અપીલ કરી કે તેઓ માત્ર મતબેંક બનીને ન રહે અને રાજકીય પ્રતિનિધિત્વ તથા આત્મસન્માન માટે આગળ આવે. તેમણે કહ્યું કે આ 2027ની લડાઈ સમાજના રાજકીય અસ્તિત્વ અને સ્વાભિમાનની છે.

 

આ કાર્યક્રમમાં AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ સવાલ કર્યો કે શું અખિલેશ યાદવ કરહલથી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપશે? તેમણે આક્ષેપ કર્યો કે પરિવારવાદ અને જાતિવાદના કારણે સપા હારી રહી છે અને જ્યાંથી અગાઉ મુસ્લિમ સાંસદ-ધારાસભ્યો ચૂંટાતા હતા, ત્યાં પોતાના પરિવારના લોકોને બેસાડવામાં આવે છે. ઓવૈસીએ મુઝફ્ફરનગરની ઠંડી દરમિયાન સૈફઈના કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા અખિલેશ પર હિંદુત્વની વિચારધારા અપનાવવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે 12 ડિસેમ્બરે તેનું પ્રમાણ જોવા મળશે.

 

દલિત અને મુસ્લિમ મતદારોને એક મંચ પર લાવવાના પ્રયાસરૂપે આ ગઠબંધન 2027ના ચૂંટણી જંગમાં નવો પડકાર ઊભો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં AIMIM એક પણ બેઠક જીતી શકી નહોતી, ત્યારે આ વખતે બંને નેતાઓ સંયુક્ત તાકાત સાથે મેદાનમાં ઉતરવાની રણનીતિ આગળ ધપાવી રહ્યા છે.

(8:21 PM IST)