<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ: ટીએમસીના ત્રણ દિગ્ગજ રાજ્યસભા સાંસદો કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાયા

સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને પ્રકાશ ચિક બરૈકના ભાજપ પ્રવેશથી રાજ્યસભાનું ગણિત બદલાયું, પેટાચૂંટણીમાં ભાજપની ત્રણેય બેઠકો જીતવાની પ્રબળ સંભાવના

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકીય આકાશમાં આજે એક મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને મોટો આંચકો આપતા તેના ત્રણ વરિષ્ઠ રાજ્યસભા સાંસદો — સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને પ્રકાશ ચિક બરૈક — આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. કોલકાતાના સોલ્ટ લેક ખાતે આવેલા ભાજપના રાજ્ય કાર્યાલયમાં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યની હાજરીમાં આ ત્રણેય નેતાઓને પાર્ટીનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. આ પક્ષપલટો આગામી સમયમાં બંગાળના રાજકારણને એક નવી દિશા આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ સર્જાયેલી રાજકીય અસ્થિરતા વચ્ચે ગયા મહિને જ આ ત્રણેય નેતાઓએ ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું. સુષ્મિતા દેવ, જેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૩૦ સુધી હતો, અને સુખેન્દુ શેખર રે તથા પ્રકાશ ચિક બરૈક, જેમનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૯ સુધી હતો, તેમના રાજીનામા બાદ હવે આગામી ૨૪ જુલાઈએ ખાલી પડેલી આ ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપમાં જોડાયા બાદ સુષ્મિતા દેવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજ્યસભાના પદની લાલસા સાથે નહીં, પરંતુ પશ્ચિમ બંગાળના હિત માટે ભાજપમાં સામેલ થયા છે.

રાજ્યસભાનું બદલાયેલું ગણિત અને ભાજપની મજબૂત સ્થિતિ:

આ ઘટનાક્રમ બાદ રાજ્યસભાની પેટાચૂંટણીનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી બાદ ૨૦૮ ધારાસભ્યો સાથે ભાજપ રાજ્યમાં સૌથી મોટી શક્તિ બનીને ઉભરી આવ્યો છે, જ્યારે ટીએમસી ૮૦ બેઠકો પર સીમિત થઈ ગઈ છે. પેટાચૂંટણીના નિયમો મુજબ, એક બેઠક જીતવા માટે આશરે ૭૦ મતોની જરૂર પડે છે. ભાજપ પાસે પોતાના ૨૦૭ ધારાસભ્યો હોવાથી તેઓ ત્રણેય બેઠકો પર સરળતાથી પોતાના ઉમેદવારોને જીતાડી શકે તેવી સ્થિતિમાં છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ટીએમસીમાં આંતરિક વિભાજન અને મમતા બેનર્જી તથા ઋતબ્રત બેનર્જીની છાવણીઓ વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે વિપક્ષી છાવણી હવે વેરવિખેર થઈ ગઈ છે. અગાઉ જે પરિસ્થિતિમાં વિપક્ષો એક બેઠક મેળવવાની આશા રાખી શકતા હતા, તે હવે ૨-૧ ની સ્પર્ધામાંથી બદલાઈને ભાજપ માટે ત્રણેય બેઠકો કબજે કરવાની ઉજ્જવળ તક બની ગઈ છે. સમિક ભટ્ટાચાર્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અનુભવી નેતાઓના ભાજપમાં આવવાથી રાજ્યમાં સંગઠન વધુ મજબૂત થશે અને પક્ષ નવા ઉત્સાહ સાથે આગળ વધશે.

(8:39 PM IST)