<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જમ્મુ-કાશ્મીરમાં મોટો રાજકીય ધડાકો : ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમરા અબ્દુલ્લાને મોટો ફટકો: શ્રીનગરના સાંસદ આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીએ નેશનલ કોન્ફરન્સ છોડી, લોકસભા સભ્યપદેથી રાજીનામાની જાહેરાત: પિતાની પુણ્યતિથિએ બડગામની વિશાળ સભામાં નિર્ણય જાહેર: જમ્મુ-કાશ્મીરના સત્તાધારી નેશનલ કોન્ફરન્સમાં મોટું ભંગાણ સર્જાયું

જમ્મુ, તા. ૩ : જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આજે મોટો ધડાકો થયો છે. નેશનલ કોન્ફરન્સના પ્રભાવશાળી નેતા અને શ્રીનગરના લોકસભા સાંસદ આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીએ પક્ષ સાથેનો આશરે ૨૪ વર્ષ જૂનો સંબંધ તોડી નાખવાની જાહેરાત કરી છે. બડગામના બહિશ્ત-એ-ઝહરા પાર્કમાં તેમના પિતા આગા સૈયદ મેહદીની ૨૬મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી જાહેરસભામાં તેમણે આ નિર્ણય જાહેર કર્યો હતો. મેહદીએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નેતૃત્વ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો આરોપ છે કે ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કલમ ૩૭૦ની પુનઃસ્થાપના, રાજકીય કેદીઓની મુક્તિ, અનામત નીતિમાં સુધારા તથા કાશ્મીરીઓના બંધારણીય અધિકારોના રક્ષણના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ સત્તામાં આવ્યા પછી આ મુદ્દાઓને યોગ્ય પ્રાથમિકતા અપાઈ નથી. મેહદી અગાઉ ત્રણ વખત બડગામના ધારાસભ્ય રહી ચૂક્યા છે. છેલ્લા લાંબા સમયથી પક્ષના નેતૃત્વ સાથે તેમના મતભેદો જાહેરમાં સામે આવતા રહ્યા હતા. તેમણે કાશ્મીરમાં નવા રાજકીય વિકલ્પની જરૂરિયાત દર્શાવી છે. તેમના નિર્ણયથી ઓમર અબ્દુલ્લા સરકાર સામે રાજકીય પડકાર વધવાની અને શ્રીનગરમાં પેટાચૂંટણીની શક્યતાને લઈને ચર્ચા શરૂ થઈ છે. 

(3:37 PM IST)